સિધ્ધપુરમાં પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભામાં ૧૫ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:46:31
  • Views : 465
  • Modified Date : 2019-04-11 06:46:31

લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક માટે ત્રીજા તબક્કે ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દાવેદારો વચ્ચે જંગ હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું એ સાથે જ ભારતીય જનતા પક્ષે પોતાના તેજીલા વક્તા એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને પાટણ જિલ્લામાં ઉતારી પ્રચારને વેગવંતો અને ધમાકેદાર કરી દીધો છે. ત્યારે સિધ્ધપુર ખાતે મંગળવારની સાંજે સન પ્લાઝામાં તેમની આગવી અદામાં કોંગ્રેસ પર તીખા વાર કરતાં પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણીસભા ગજવી હતી. જાહેરસભા સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ ઉમેદવાર ભરતભાઈ ડાભીના સમર્થનમાં મતપેટીઓ છલકાવી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને પુનઃ સ્થાપિત કરવા હાકલ કરી હતી. તેમની સાથે બરોડા લોકસભાના ઇન્ચાર્જ અને પ્રખર અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ, ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ
પટેલ, સમીરભાઈ વ્યાસ, ભરતભાઈ આર્ય ઉપરાંત સિધ્ધપુરના ભાજપ આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ પણ જોડાયા હતા.  કેન્દ્રીય મંત્રી
રૂપાલાએ કિસાન નિધિ યોજના પર પ્રકાશ પાડી કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી વિવિધ કાર્યો વર્ણવ્યા હતા, સાથોસાથ સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દે પુરાવા માંગનારાઓને પાટણ જિલ્લામાં એક લટાર મારે તો શૂરવીરપણાની ખબર પડે તેવો કટાક્ષ પણ તાળીઓ ઝીલતાં કર્યો હતો.  તેમણે ચૂંટણી વિકાસ અને રાષ્ટ્રવાદ પર લડાતી હોવાની
પણ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના, વીજળીકરણ, ૧૦૮ સુવિધા, કૃષિ નિધિ યોજના, ઉજ્જવલા યોજના, જનધન ખાતા સહિતના મુદ્દે વિસ્તૃત સમજણ આપી વધુને વધુ વહેલું મતદાન કરવા અને ભરતભાઈ ડાભીને સંસદમાં મૂકવા હાકલ કરી હતી. આ જાહેર સભામાં સિધ્ધપુર તાલુકાના ૧૫ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા જેઓને પુરુષોત્તમ રૂપાલાએ કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. આ સભામાં સિધ્ધપુર નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પંડયા, અજીતભાઈ મારફતિયા, કિરણભાઈ શાસ્ત્રી, મનિષભાઈ આચાર્ય, શંભુભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ પટેલ, ભરતભાઈ મોદી, જે.ડી.પટેલ, વિક્રમસિંહ ઠાકોર સહિત આગેવાનો જોડાયા હતા.


Download Our B K News Today App



Related News