ભારે હોબાળા અને ધમાલ વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, કોંગ્રેસના સભાખંડમાં જ ધરણાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:13:56
  • Views : 335
  • Modified Date : 2020-09-10 11:13:56

ગાંધીનગર તાલુકા
પંચાયતની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. ટર્મિનેટ કરાયેલા ૯ સભ્યોને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપે વિરોધ કર્યા બાદ આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. જો કે પ્રાંત અધિકારી કલ્પેશ જોશીના કહેવા મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે અને હવે આગામી તારીખ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જણાવ્યું હતું.
ભાજપના સભ્યોની ધમાલ વચ્ચે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ગઇકાલે મંગળવારે પ્રમુખ માટે બે અને ઉપપ્રમુખ માટે બે ફોર્મ ભરાયા હતા. બુધવારે બપોરે ૧૨ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના રદ થઈ ગયેલા ૬ સભ્યોએ દેકારો મચાવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૮ ગામડાનો સમાવેશ કરવામાં આવતાં તાલુકા
 કુલ ૯ સભ્યોનું સભ્યપદ રદ થઇ ગયું છે. જેમાં ભાજપના ૬ અને કોંગ્રેસના ૩ સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે ભાજપના ૬ સભ્યોએ સભાખંડમાં આવવા માટે સતત દેકારો મચાવ્યો હતો. તેમને કોંગ્રેસ હાય-હાયના નારા પણ લગાવ્યા હતા અને અંતે સભાખંડના દરવાજા સુધી પહોંચી ગયા હતા.
આ મામલો વધુ ગંભીર થતા પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. આ તમામ
પરિસ્થિતિને લઈને પ્રાંત અધિકારીએ ચૂંટણી પ્રક્રિયાને મુલતવી રાખી હતી. ગાંધીનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી. સામાન્ય રીતે પોલીસ જ્યારે ભાજપનું શાસન હોય ત્યારે પોતાના હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે. તેવી જ રીતે ગાંધીનગર તાલુકા
પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. ભાજપના રદ થઈ ગયેલા ૬ સભ્યો
પોતાના પતિ સાથે સભાખંડ સુધી ધસી આવ્યા હતા. દરવાજાને તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમ છતાં બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું જોવા મળ્યું. ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ
ઉપપ્રમુખની ચૂંટણીમાં કલોલમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અલ્પેશ જોશીને ચૂંટણી અધિકારી નીમવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના દેકારા વચ્ચે ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પ્રાંત અધિકારી વેચાઈ ગયા છે. સરકારના ઈશારે પ્રાંત અધિકારી ર્નિણય લઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત અધિકારી હાય-હાયના નારા
પણ લગાવ્યા હતા. તાલુકા
પંચાયતમાં સીધી રીતે જ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવે તેવી બહુમતી જોવા મળી રહી હતી. જ્યારે ભાજપ પાસે બહુમતી જોવા મળતી ન હતી, તેમ છતાં પ્રાંત અધિકારીએ મનસ્વી રીતે ચૂંટણી પ્રક્રિયાને રોકી દેતા કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે, જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ સભાખંડની બહાર નીકળશે નહી. તાલુકા
પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રહેતા કોંગ્રેસ દ્વારા ધરણા કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી તાલુકા
પંચાયતના હોલમાં ધરણા કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસના તમામ સભ્યે ધરણા કરતા રામધૂન બોલાવી હતી. ભાજપના સભ્યો દ્વારા સતત ધાંધલધમાલ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન તાલુકા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ જગદીશભાઈ રમણભાઈ પટેલે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.

ઉગ્ર બોલાચાલી વચ્ચે સભાખંડના માઇક અને પંખાને નુકસાન
ભાજપના સભ્યો દ્વારા ચાલુ સભાએ માઈક તોડવામાં આવ્યા હતા. તેમજ ખુરશી પણ પછાડવામાં આવી હતી, તેવું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું. ખુરશી પછાડવાના કારણે સભાખંડનો પંખાને પણ નુકસાન થયું હતું. રૂદ્ર સ્વરૂપ ધારણ કરેલી આ સામાન્ય સભામાં કંઈક કાળું રંધાતું જેના કારણે મીડિયાને પણ અંદર પ્રવેશ
આપવામાં આવ્યો ન હતો. કોઈપણ સામાન્ય સભા હોય પછી તે કોર્પોરેશનની હોય કે પછી તાલુકા પંચાયતની, સામાન્ય સભામાં તોડફોડની સભ્યોને જાણે અનુમતી મળી હોય તેમ દર વખતે સામાન્ય સભામાં નાનું-મોટું આવું છમકલું થતું હોય છે.

અમે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. તેમજ આજથી તાલુકા પંચાયતમાં બેસીને વિરોધ દર્શાવીશું. તેમજ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી પણ માગી છે. જે બાદ અમે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરીશું. આ ઉપરાંત ૭૨ કલાકની અંદર ચૂંટણીની નવી તારીખ જાહેર થશે તેવું કલેક્ટરે આશ્વાસન આપ્યું છે.
- ડો. સી. જે. ચાવડા (ધારાસભ્ય ઉત્તર કોંગ્રેસ, ગાંધીનગર)

Download Our B K News Today App



Related News