થરાદ પાલિકામાં ભાજપના ત્રણ સભ્યોનો બળવો ઃ કોંગ્રેસ સત્તારૂઢ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 11:54:09
  • Views : 549
  • Modified Date : 2020-08-26 11:54:09

થરાદ નગરપાલિકામાં બીજા ટર્મના પ્રમુખ અને
ઉપપ્રમુખ પદ માટે અનેક પાસા ફેંકાયા બાદ મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ત્રણ સભ્યોએ બળવો કરતા અપક્ષ અને ભાજપના સભ્યોના સમર્થનથી કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. જેથી ચૂંટણી પહેલાની અનેક ચર્ચાઓનો અંત આવ્યો હતો.
ગત ટર્મમાં ભાજપ સત્તા સ્થાને હતુ. ત્યારે ભાજપના ૧૨ અને ૩ અપક્ષ સભ્યોનો ટેકો મળ્યો હતો. આ વખતે ભાજપના ત્રણ નારાજ સભ્યોએ બળવો કરતા ભાજપના હાથમાંથી સત્તા સરકી ગઈ છે. હવે પછીના આ અઢી વર્ષ માટે કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે થરાદ નગરપાલિકાની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજી ટર્મ માટે મંગળવારે બપોરે ૧૨.૦૦ વાગે પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વી.સી.બોડાણાના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસરની
ઉપસ્થિતિમાં બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં ભાજપના ૧૨, કોંગ્રેસના ૮ અને અપક્ષના ૮ સદસ્યો મળીને કુલ ૨૮ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે જાનકીબેન દિલીપભાઈ ઓઝા અને ઉપપ્રમુખ પદ માટે રમેશભાઈ વાઘજીભાઈ રાજપૂત જ્યારે ભાજપમાંથી પ્રમુખ પદ માટે કોકીલાબેન હીરાલાલ પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદ માટે હીરાલાલ રાઠોડના નામ રજૂ થયા હતા. ત્યારબાદ મતદાન પ્રક્રિયા શરૂ થતા કોંગ્રેસના પ્રમુખ પદે  જાનકીબેન અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ રાજપૂતને ૧૭ સદસ્યોએ હાથ ઊંચો કરીને મત આપ્યો હતો. જ્યારે ભાજપના ઉમેદવારોને ૧૧ સભ્યોએ સમર્થન કર્યું હતું. જેથી કોંગ્રેસના બંને સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા. આમ ભાજપના હાથમાંથી કોંગ્રેસે ભાજપના નારાજ સભ્યો અને અપક્ષ સભ્યોના સમર્થનથી ભાજપ
પાસેથી સત્તા આંચકી લીધી હતી. ચૂંટણી બાદ વિજેતા બનેલા કોંગ્રેસના બંને ઉમેદવારોને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપૂત, કોંગ્રેસ સમિતી પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગર
પાલિકા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, શહેર પ્રમુખ બચુશા બાનવા, મહામંત્રી તુલસીભાઈ ધુમડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News