વિજ્ઞાનીઓની ચેતવણીઃ પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ ન થાય તો કોરોનાનો ઈલાજ મુશ્કેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 11:24:58
  • Views : 254
  • Modified Date : 2021-04-08 11:24:58

    ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં દરરોજ સરેરાશ 11000 નવા કેસ સામે આવી રહ્યા હતા, એ હવે 9 ગણાથી પણ વધુ ઉપર ગયા છે. મંગળવારે દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા. આખરે સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાનું કારણ શું છે? શું વાયરસનો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? નિષ્ણાતોના મતે, ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે, આથી આપણી પાસે પૂરતો ડેટા જ નથી, જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે.

    બ્લૂમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી અપાઈ છે કે જો ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ, પણ એવી હાલત થશે કે વેક્સિનની પણ વાયરસ પર કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલોમાં કારગત ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.

    વાસ્તવમાં કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો અગત્યનું છે જ પણ, એનાથી વધુ અગત્યનું છે પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ. જે લોકો સંક્રમિત મળે છે એમાંથી તમામનાં સેમ્પલોની આગળ એ વાતની તપાસ થાય છે કે વાયરસનો કોઈ નવો વેરિયન્ટ તો પેદા થઈ રહ્યો નથીને અથવા તો એમાં કોઈ એવો ફેરફાર તો થઈ નથી રહ્યો ને કે જે વધુ ખતરનાક અને ચેપી હોય. યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખર્જીના જણાવ્યા અનુસાર, ભારત પાસે કોરોનાવાયરસના નવા વેરિયન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી, જેનાથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિયન્ટ છે કે કેમ.

    બ્રિટનમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટ મળ્યા પછી જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં પણ ત્યાંથી આવનારા કેટલાક મુસાફરો એનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા ત્યારે નવી દિલ્હીએ સેમ્પલોની તપાસ માટે 10 સરકારી લેબના કન્સોર્ટિયમની રચના કરી. જોકે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ભારતે માત્ર 11064 સેમ્પલોનું સિક્વન્સિંગ કર્યું હતું. આ જાણકારી આરોગ્ય મંત્રાલયે 30 માર્ચે આપી હતી. આ રીતે ભારતમાં એ સમયે નવા કેસોના 0.6 ટકાથી પણ ઓછાં સેમ્પલોનું સિક્વન્સિંગ થયું.

    આરોગ્ય મંત્રાલયના અનુસાર, ભારતમાં 30 માર્ચ સુધીમાં કોરોનાના યુકે વેરિયન્ટ સાથે જોડાયેલા 807 કેસ, દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનના 47 અને બ્રાઝિલિયન વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો હતો. મંત્રાલય કહેતું રહ્યું છે કે નવા કેસોમાં ઝડપી ઉછાળાને નવા વેરિયન્ટ સાથે કોઈ સંબંધ નથી. અત્યારસુધી જે અભ્યાસ થયા છે, તેના અનુસાર આ નવા સ્ટ્રેનમાંથી કેટલાક ઘણા ઝડપથી ફેલાય એવા છે, જ્યારે એમાંથી એક ખૂબ ઘાતક છે. એક અન્ય સ્ટ્રેનમાં સંક્રમણમાંથી બહાર આવી ચૂકેલા લોકોને ફરી સંક્રમિત કરવાની ક્ષમતા છે.

    કેરળસ્થિત અર્થશાસ્ત્રી અને પબ્લિક હેલ્થ પોલિસી એનેલિસ્ટ રિજો એમ. જોનના અનુસાર, વેક્સિનેશનની ધીમી ગતિ, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરવાને કારણે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જોન વિશ્વ આરોગ્ય સંગઠન સાથે પણ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા છે. તેઓ ભારતમાં બીજી લહેર અંગે ચેતવણી આપે છે, ‘અત્યારસુધી બીજી લહેર ઓછી ઘાતક છે, એટલે કે મૃત્યુદર ઓછો છે, પણ એ પ્રથમ લહેરથી ઘણી વધુ ખરાબ રહેશે.’ જોનના અનુસાર, લોકોમાં વેક્સિન અંગે ખચકાટ ઓછો કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સરકાર પોતાનાં જ લક્ષ્યથી ઘણી પાછળ છે.

    ભારત અત્યારે સરેરાશ દરરોજ 26 લાખ વેક્સિન ડોઝ લગાવી રહ્યું છે. આ ગતિથી તેને 75 ટકા વસતિના રસીકરણમાં અત્યારે 2 વર્ષ વધારે લાગશે. બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકર અનુસાર, ભારતમાં લગભગ 5 ટકા લોકો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે માત્ર 0.8 ટકા જ બંને ડોઝ મેળવી ચૂક્યા છે.


Download Our B K News Today App



Related News