ગાંધી આશ્રમ પાસે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:34:29
  • Views : 419
  • Modified Date : 2020-10-02 12:34:29

    ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધીઆશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિવસના ધરણાં કરવા આવી હતી. જોકે એ સમયે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મંજૂરી વગર ધરણાં કરવામાં આવતી પોલીસે કરણીસેનાને રોકતા ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે. ધરણાં દરમિયાન કરણીસેનાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

પોલીસે સુભાષ બ્રિજ પાસે જ રોકી લીધા
કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નીમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિવસના ધરણા કરવા જઈ રહ્યાં હતા. જોકે તેમણે આ માટે પહેલાથી મંજૂરી મેળવી ન હતી. તેવામાં આજે જ્યારે કરણીસેના ધરણાં કરવા માટે જઇ રહી હતી ત્યારે પોલીસે સુભાષ બ્રિજ પાસે જ કરણીસેનાના કાર્યકરોને રોકી લીધા હતા. જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી.

પ્રવેશની મંજૂરી ન હોવા છતાં શેખાવત આશ્રમમાં ગયા
કોરોના મહામારીના પગલે આજે ગાંધીજયંતીના દિવસે ગાંધી આશ્રમમાં ભીડ એકઠી ન થાય એ માટે આશ્રમ દ્વારા કોઇપણને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા પણ સાદાઈથી કરવામાં આવી હતી. તેવામાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત પાંચ જટેલા કાર્યકર્તાઓ સાથે આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને આશ્રમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે આશ્રમ સંચાલકે ના પાડી હોવા છતાં રાજ શેખાવત અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યો હતો. એક સમયે ગાંધી આશ્રમમાં જવાની મંજૂરી ન મળતા ગૃહમંત્રી હાય-હાયના નારા લગાવ્યા હતા.

Download Our B K News Today App



Related News