અમદાવાદ મહાનગરપાલિકાની 2021ની પ્રથમ સામાન્ય સભા પૂર્ણ, 1 માત્ર અપક્ષ કોર્પોરેટર ભરવાડ વેશમાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 12:20:49
  • Views : 233
  • Modified Date : 2021-03-10 12:20:49

    અમદાવાદમાં મ્યુનિ. કમિશનર મુકેશકુમારની અધ્યક્ષતામાં પાલડીના ટાગોર હોલમાં વર્ષ 2021ની પહેલી કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. નવા જાહેર કરાયેલા મેયર, ડેપ્યુટી મેયરની આ પહેલી સામાન્ય સભા હતી. આ પહેલા આજે સવારે મ્યુનિ. કોર્પોરેશનના મેયર તરીકે કિરીટ પરમાર તથા ડે. મેયર તરીકે ગીતા પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશનમાં એક માત્ર અપક્ષ ઉમેદવાર તરીકે લાંભા વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કાળુભાઇ ભરવાડ આજે પોતાના પરંપરાગત વેશ સાથે સામાન્ય સભામાં હાજર રહ્યાં હતાં.

    સામાન્ય સભાના સ્ટેજ પર કિરીટ પરમારે ગાંધીજી, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોને સુતરની આંટી પહેરાવી હતી. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે બુકે આપી તેમને આવકાર્યા હતા. મેયરે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની જાહેરાત કરી હતી.

    અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે. હાલમાં પાલડી ટાગોર હોલમાં તમામ કાઉન્સિલરોનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. મેયર કિરીટ પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.મેયર પદ માટે નામની જાહેરાત બાદ કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક સામાન્ય પરિવાર તેમજ ચાલીમાં રહેનાર વ્યક્તિને મેયર પદ આપવામાં આવ્યું તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની જે યોજનાઓ ચાલી રહી છે, તે સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચે તેવા મારા પ્રયત્નો રહેશે.

    રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

    મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની દાવેદારી માટે કાઉન્સિલરો ફોર્મ ભરવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેશ બારોટ સહિત ચૂંટાયેલા ભાજપના 17થી 18 કાઉન્સિલરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. દાવેદારીના ફોર્મ ભર્યા બાદ આજની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 પદાધિકારીની જાહેરાત થઈ છે.

    અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર પદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત હોવાથી તે પછી મહત્ત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનનું પદ મેળવવા હોડ લાગી છે. આનંદીબેનના વિશ્વાસુ અને ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ તથા થલતેજના કોર્પોરેટર અને અમિત શાહના ખાસ હિતેષ બારોટ વચ્ચે ટસલ છે. આ બન્ને નેતાએ સ્ટેન્ડિંગના ચેરમેન બનવા છેક સુધીનું જોર લગાવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો માટે 17 સભ્યોની યાદી બનાવી દીધી છે અને આ યાદીમાં જતીન પટેલ અને હિતેશ બારોટ બન્નેના નામ છે. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલે પક્ષમાં રજૂઆત કરી છે કે જતીન પટેલને સ્ટેન્ડિંગ ચેરમેન ન બનાવાય તો તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરશે. જો આ બન્ને નામ પૈકી કોઇની ઉપર પસંદગીનો કળશ ન ઢોળાય તો સીએ જૈનિક વકીલ રૂપાણીની નજીક હોવાથી ચેરમેન બની શકે છે.


Download Our B K News Today App



Related News