ડીસા મુકામે સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા ચિંતન શિબિર યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 11:51:04
  • Views : 521
  • Modified Date : 2019-06-08 11:51:04

બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે સાંસદ પરબતભાઇ
પટેલના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ. શાખા જિ. પંચાયત અને લાયન્સ કલબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે મહિલા ચિંતન શિબિર યોજાઇ હતી. પ્રાસંગીક પ્રવચન કરતા સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે, નારી શક્તિનો મહિમા અને મહત્વ આદિ-અનાદિકાળથી છે. જે પરિવાર કે સમાજમાં મહિલાઓને માન-સન્માન અને મહત્વ અપાય છે.  ત્યાં
સુખ-સમૃધ્ધિ અને શાંતિ જોવા મળે છે. સાંસદે જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે મહિલા કલ્યાણ માટે કરેલ કામગીરી અને યોજનાઓ સમગ્ર દેશ અને દુનિયા માટે પ્રેરણાદાયી બની છે. ગુજરાતમાં મહિલા કલ્યાણ માટે ઉદાર યોજનાઓ અને કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. જેના લીધે ગુજરાત મહિલા વિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્ર હરોળમાં છે એમ સાંસદે જણાવ્યું  હતું.
સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે બહેન-દીકરીઓને શિક્ષીત બનાવીને તેમજ તેઓને માન-સન્માન અને મહત્વ
આપી આદર્શ અને સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ. ગુજરાતમાં સ્ત્રી ભૃણ હત્યા  અટકાવવા કડક જોગવાઇઓ અને સક્રિય કામગીરી કરવામાં આવે છે. તેમજ દીકરીઓને અભ્યાસ- ઉજ્જવળ કારકિર્દી બનાવવા તથા વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા સરકાર દ્વારા
પરિણામદાયી કામગીરી કરવામાં આવી છે. મહિલાઓ માટે અમલી સરકારની વિવિધ યોજનાઓ અંગે સાંસદે વિગતો આપી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને સાંસદે કહ્યું કે દીકરા-દીકરીના જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરીએ. તેમણે સરકારની યોજનાઓનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો.
બનાસકાંઠાની જનતાએ જંગી મતોની સરસાઇથી વિજય અપાવ્યો  તે બદલ સાંસદ પરબતભાઇ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગ નવી દિલ્હીના સભ્ય ડો. રાજુલબેન દેસાઇએ જણાવ્યું  હતું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં સમગ્ર દેશની મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે વિરાટ પાયે કામગીરી થાય છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે સંખ્યા બંધ યોજનાઓ અમલમાં છે. તેનો લાભ લઇએ તેમજ વધુ જાગૃત બનીએ. ગુજરાતમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે સરાહનીય કામગીરી થઇ છે એમ જણાવતાં તેમણે કહ્યું કે ૧૮૧ અભયમ હેલ્પ લાઇન, આરોગ્ય સુવિધા માટે ૧૦૮ ઇમરજન્સીં યોજના, ખિલખિલાટ યોજના, મહિલાઓને બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની વિનામૂલ્યે  સારવાર સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. તેમણે કહ્યું બહેનો અબળા નહિ પરંતુ શક્તિનું સ્વરૂપ છે. મહિલા આયોગ બહેનોના ઘરમાં સુખ અને શાંતિ લાવવાનું તથા તેમને મદદરૂપ થવાનું કામ કરે છે. સરકાર મહિલાઓના હિત અને કલ્યાણ માટે સક્રિય અને સંકલ્પ બધ્ધક છે.
ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયાએ કહ્યું કે વિકાસ પુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસ અને સુશાસનના ફળ છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. તેમજ દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપભેર નોંધપાત્ર વિકાસ થઇ રહ્યો છે.  ધારાસભ્યે કહ્યું કે બેટી બચાવો... બેટી પઢાવો.... સહિત મહિલા કલ્યાણ માટે સરકાર દ્વારા વિરાટ પાયે અભિયાનો હાથ ધરી સફળ કામગીરી કરી છે. જેનો અહેસાસ પ્રજાજનો સારી રીતે કરી રહ્યા છે. શિક્ષણ માટેના સરકારના વિવિધ અભિયાનોને લીધે ગુજરાતમાં અમુલ પરિવર્તન આવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અને સરકારી નોકરીઓમાં મહિલા અનામતની જોગવાઇ આ સરકારે અમલી બનાવતાં મહિલાઓ હવે સારા પ્રમાણમાં પ્રતિનિધિત્વ કરે છે.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું  કે મહિલાઓના વિકાસ અને જાગૃતિ વધારવા માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઇ માળી,  જિ.પંચાયતના પ્રમુખ પીનાબેન ઘાડીયા, ગુજરાત એસ.ટી. નિગમના ડિરેકટર દિનેશભાઇ અનાવાડીયા, તા.પંચાયતના પ્રમુખ ઉકાજી ઠાકોર, અગ્રણી  ભારતસિંહ ભટેસરીયા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News