એકો, દુરી, તીરી, ચોગો અને પોલીસે બાતમીના આધારે માર્યો છગ્ગો લો કરો વાત ઃગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ચેરમેનના ભાઈ જુગાર રમતા પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 11:36:47
  • Views : 978
  • Modified Date : 2020-08-14 11:36:47

શ્રાવણ માસના શ્રાવણીયા જુગારમાં બનાસકાંઠામાં પોલીસ અવાર-નવાર જુગારના શોખીનોને પકડી કેસ કરે છે. આવો જ એક કિસ્સો માલગઢના ચામુંડા ફાર્મમાં  શ્રાવણ માસના ૧૫ દિવસથી વધુ જુગારધામ ચલાવવામાં આવતું હતું. ભાજપના જ એક આગેવાનના પુત્રએ આ જુગાર ધામને ખુલ્લુ પાડવા માટે દક્ષિણ પોલીસ સ્ટેશનના માળી સમાજના એક કોન્સ્ટેબલનો સંપર્ક કર્યો અને એ માળી કોન્સ્ટેબલે બનાસકાંઠા એલ.સી.બી.ના પી.એસ.આઈ. નયનસિંહ પરમારના તમામ કરતુતના વહીવટદાર મિલનસાર મિલનભાઈનો
સંપર્ક થયો. બાતમીદારે અધુરી બાતમી આપી અને એટલું જણાવ્યું કે, ત્યાં જુગારમાં લાખો રૂપિયાની હાર-જીત થાય છે. ત્યાં આંટો મારીને આવેલા એક જુગારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ત્યાં જુગાર રમવા માટે ઓછામાં ઓછા ડીપોઝીટ પેટે બે લાખ રૂપિયા હોવા જરૂરી છે. આમ, મોટા દલ્લો હાથ લાગે તેવા આશયથી પાલનપુર એલ.સી.બી. ટીમે સજીધજીને ફાર્મ ઉપર રેડ કરી. રેડ કરતાં ત્યાં તેમને ન કલ્પેલી વાત સામે આવી. આ જુગાર રમવામાં ગુજરાત રાજ્યના વેર  હાઉસિંગ બોર્ડના ચેરમેન મગનભાઈ માળીના ભાઈ અને ભાજપના એક અન્ય આગેવાનના સુપુત્ર ઘટના સ્થળે ઝડપાયા. ત્યાં પોતાના ભાઈને છોડાવવા ગયેલ ભાઈએ પી.એસ.આઈ. નયનસિંહને એકવાર વેર હાઉસિંગ બોર્ડના ચેરમેન મગનભાઈ માળીના ભાઈ આની અંદર છે અને તેનો સંપર્ક કરી નિકાલ કરો. ઠીક ત્રણ વાગ્યા પછી રેડ પડી અને શરૂ થયા સેટલમેન્ટના ફોનનો દૌર. પી.એસ.આઈ. નયનસિંહ પરમારે મિલનસિંહના ગેરકાયદેસરના ફોનથી ભાજપના મોવડી મંડળના લોકો સાથે વાતચીત ચાલુ કરી. અને બે જણાને છોડી દેવાનો નિર્ણય કર્યો. પરંતુ સોશિયલ મીડિયા અને વિતતો જતો સમય વાત દબાવી શકયા નહીં. અને એમાં ઝડપાયેલા જુગારીયા પૈકી જુનાડીસાના એક નાદાન જુગારીયાએ જીદ પકડી તમે બે જણાને છોડો તો બધાને છોડવા પડશે. અને જાે એમ નહીં કરો તો હું તમને લોકોને ખુલ્લા પાડીશ. હા ના, હા ના કરતા મામલો બગડતો જાેઈ એલ.સી.બી.ની ટીમે ડીસા તાલુકા પોલીસનો સંપર્ક કરી ઘટના સ્થળે બોલાવી. ધીમે ધીમે વાત ચગતા મોડી સાંજે બધાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. અને એલ.સી.બી. ટીમે ફરિયાદી  બની કાયદેસરની કાર્યવાહી કરી. આ એલ.સી.બી.ની ફરિયાદ મુજબ  માલગઢ ગામની સીમમાં તા. ૧૧-૮-૨૦૨૦ ના રોજ ૬-૧૫ થી ૭-૩૦ સુધી રેડ ચાલીનું બતાવ્યું છે. ફરિયાદીમાં આરોપીઓના નામ જે અમે બોક્ષમાં ઉલ્લેખ કરીએ છીએ. તેમજ આ આરોપીઓ પાસેથી
પકડાયેલ મુદ્દામાલ અને રકમ પણ અમે બોક્ષમાં ઉલ્લેખ કરી છે.
સવાલ એ થાય કે પોલીસની એફ.આઈ.આર.ની કલમ મુજબ જુગાર અધિનિયમનો ઉલ્લેખ કર્યો છે પરંતુ પોલીસે જાહેર સ્થળ સીમ બતાવી જુગારધામની જગ્યાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાંય પોલીસની કાર્યવાહી સાચી છે. તેવું માનીએ તો પોલીસે ભાજપના આગેવાનોના પ્રેશરમાં છોડી દીધેલા મુદ્દાઓ જેમ કે તમામ જુગારીયાઓ પૈકી એકને બાદ કરતા તમામ લોકો દસથી પંદર કિલોમીટર દૂર રહેતા હોવાનું સરનામું ફરિયાદમાં જણાવ્યું છે. તો આ જુગારના શોખીનો માલગઢની સીમમાં પહોંચવા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો તે જબ્બે કર્યો નથી કે તેનો ઉલ્લેખ કર્યો નથી. જાહેર સીમનો ઉલ્લેખ કરી પોલીસે કલેકટરના જાહેરનામાને પડકારતી દેખાય છે. અત્યારે કોરોનાના કારણે ૧૪૪ જેવી કલમો ચારથી વધુ લોકો ભેગા ન થવું અને સોશિયલ ડીસ્ટન્સના ભંગ જેવી કલમો તેમજ માસ્ક વગરના
દંડના કાયદેસરનું પાલન કરવાનું પોલીસ ભુલી ગઈ છે. જાે કે આ ભુલ ચાર્જશીટમાં સુધારી લે તો નવાઈ નહીં.
આમ, હાઈપ્રોફાઈલ જુગારધામમાં ભાજપના આગેવાનોની દબાણવશ થઈ પોલીસે તમામ જુગારીયાઓને કોરોના ટેસ્ટ કર્યા વગર જ છોડી દીધા. હવે બનાસકાંઠાના તમામ આરોપીઓ આ કેસનો સહારો લઈ પોતાના કોરોના ટેસ્ટથી બચી જવાનો રસ્તો પોલીસે કરી આપ્યો છે. જાે આ આરોપીઓનો કોરોના ટેસ્ટના નિયમની જરૂરિયાત એલ.સી.બી. ટીમને કે ડીસા તાલુકા પોલીસને જેની પણ ફરજમાં આવતી હોય તેને લાગતી ન હોય તેવું આ કિસ્સામાં જણાય છે.  ડીસા તાલુકા પોલીસ સ્ટેશને જુગારીયાઓને લાવ્યા બાદ એક જુગારીયા પાસેથી પેન્ટના
અંદરના ભાગે જીતેલા લાખો રૂપિયા જાહેરમાં એણે બતાવ્યા
હોવાનું પણ ચર્ચાય છે. જેથી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરવા જાેઈએ. જે જગ્યાએ રેડ પાડી ત્યાં ૧૫ દિવસથી વધુ આ જુગારધામ ચાલતું હતું. તે જાણવા માટે ચામુંડા ફાર્મની આજુબાજુ બે કોલ્ડ સ્ટોરેજના સીસીટીવી તપાસવા જાેઈએ. છેલ્લા ૧૫ દિવસના આ રૂટના તમામ મોબાઈલ ટાવરોની ડીટેલ કઢાવો તો આ જુગાર ધામની કેટલા લોકોએ મુલાકાત લીધી તે પણ હાથ લાગશે. એલ.સી.બી. ટીમના મિલનના મોબાઈલની કોલ ડીટેલ કઢાવો તો હજુ પણ મિલનના દારૂ, બુટલેગરો, જુગારની રેડો, નિર્દોષ લોકોના તોડો બધુ જ બહાર આવશે.

દારૂની સુવિધા કરાઈ હોવાની ચર્ચા

ડીસાના માલગઢ ગામેથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ જુગાર એક ફાર્મ
પર બંગલામાં રમાઈ રહ્યો હતો. જ્યાં જુગારીયાઓ માટે જમવા અને દારૂની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે દારૂની બોટલો પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે પોલીસ એ ફાર્મ હાઉસના માલિકને બચાવવા લાખોનો તોડ થયાની ચર્ચા પણ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહી છે. સાથે જુગારીયાઓની લકઝુરિયસ કાર પણ પોલીસે કબ્જે ન લેવા વ્યવહાર થયાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

સમાચારની તટસ્થતાનો હેતુ ઃ ભાજપના મોવડી મંડળ આ આગેવાનને છાવરવાનું બંધ કરે
આ સમાચાર બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે તમે ભાજપ અને સમાજના આગેવાનો તરીકે સમાજ સુધારવા કે દેશસેવા કરવા નીકળો છો અને ખોટા કામોમાં પોતાના સગા-વ્હાલાઓને બચાવવા નીકળો છો આવો જ કિસ્સો લઈને કોઈ તમારી સામે આવે ત્યારે તમે કાયદો, નિયમો બતાવી પોતાની મનમાની કરી પોતાની ચેનલમાં બતાવતા હોવ છો. જ્યારે જ્યારે ભાજપના આગેવાનો, ડીસા નગરપાલિકા ભાજપના પ્રમુખના વિરોધના સમાચાર હોય કે બનાસકાંઠા ભાજપના કોઈ ધારાસભ્ય કે સંસદસભ્યના વિરોધના સમાચાર હોય અને જ્યારે તમારી વિરોધમાં મોવડી મંડળમાં રજૂઆત થાય ત્યારે છપ્પનની છાતી પહોળી કરી જણાવો છો કે હું ન્યૂઝ ચેનલ તટસ્થતાથી ચલાવું છું તેમ કરી બચાવ કરો છો. તો બે દિવસથી ચર્ચાસ્પદ બનેલો જુગારધામનો કિસ્સો પોતાની ચેનલમાં ન બતાવીને તટસ્થતાનો દાવો હવે કરવાનો અધિકાર ખોઈ દીધો છે. એ જ દિવસના ભાભર અને થરાદના જુગારીયાઓના સમાચાર બનાવો છો તો પોતાના સગાવહાલાના કેમ નહીં ? ભાજપના મોવડી મંડળોએ આ વાત ધ્યાનમાં  રાખવા જેવી નથી ? સમજી અને પગલાં લેવા જેવી છે.

પત્રકારોને માહિતી ના મળે તે માટે પ્રયાસ કરાયા

માલગઢમાં જુગારની રેડ સાંજે ૬-૧પ થી ૭-૩૦ સુધી ચાલી હતી. જ્યારે ફરિયાદનો સમય રાત્રે ૧૦-૦૦ વાગ્યાનો છે. આ સમય દરમિયાન ફરીયાદ લખવામાં, મુદ્દામાલ ગણવામાં અને ઓનલાઈન અપલોડ કરવામાં પોલીસને ૬ કલાકનો સમય લાગ્યો હતો. કારણ કે રાત્રે ૧૧ વાગ્યા સુધી પત્રકારો પોલીસ મથકમાં હાજર હતા. આ માહિતી પત્રકારોને મોડી મળે અને પ્રેસમાં ના જાય તેવો ઉમદા પ્રયાસ કરાયો હતો. રાત્રે ૧ર વાગ્યા પછી ફરીયાદ અપલોડ કરવામાં આવી હતી. શું આ સમય દરમ્યાન તાલુકા પોલીસ મથકનું નેટ બંધ હતું. કે સેટલમેન્ટ કરવામાં સમય ગયો હતો ? તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.

જુગારીયાઓને લઈને આમતેમ ફર્યા

ડીસાના માલગઢમાં જુગારધામ જ્યારે પોલીસે
પકડેલ ત્યારથી રાજકીય નેતાઓ દ્વારા જુગરીયાઓને છોડાવવા ધમપછાડા શરૂ થયા હતા. જેથી પોલીસ બચાવવા માટે એક કલાક સુધી આમતેમ લઈને ફર્યા બાદ વહીવટ કરવા ખાનગી ગાડીમાં દિપક હોટલમાં જવાનું નક્કી થયું. પરંતુ વાત વાયુવેગે પ્રસરી જતા અને રાજકીય નેતાનો ભાઈ બચી ન જાય તે માટે અનેક લોકો પાછળ પડી જતા આખરે પોલીસને જુગારીયાઓને પોલીસ મથકે લાવવા પડ્યા હતા.

જુગારમાં રૂા. ૧૮ થી ૪૦ લાખના મેસેજ વાયરલ થયાં

માલગઢમાં ઝડપાયેલ જુગારમાં રૂા. ૧૮ લાખ રોકડ હોવાના મેસેજ વાઈરલ થયા. અને બીજા દિવસે ૪૦ લાખ રોકડ હોવાના મેસેજ વાઇરલ થયા હતા. પરંતુ ફરિયાદમાં રૂ. ૫.૪૩ લાખ બતાવવા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. શું ઉપરની રકમ પોલીસ લઈ ગઈ કે રાજકીય નેતાના ઈશારે રકમ પરત કરી આ ચર્ચા હાલ સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઇન બની છે. ત્યારે હવે સમગ્ર મામલે રેન્જ આઈ.જી.એ તપાસ કરવી જોઈએ.

લાખોના મોબાઈલના બદલે બંધ મોબાઈલની ગોઠવણ કરાઈ હોવાની ચર્ચા

માલગઢ ગામેથી ઝડપાયેલ નવ જુગારીયાઓ પાસે જે મોબાઈલ હતા તે પણ લાખોની કિંમતના થાય છે. છતાં પોલીસે ચાર મોબાઈલ કબ્જે કરી માત્ર રૂ. ૨૯ હજાર રકમ બતાવેલ સાથે ચર્ચાતી વાતો મુજબ જે મોબાઈલ હતા તે પરત આપી દીધેલ. અને જે ચાર મોબાઈલ છે તે પણ બજારમાંથી બંધ હાલતના અને બંધ કાર્ડવાળા મોબાઈલ મુદ્દામાલ બતાવ્યા હોવાની ચર્ચા ખુદ પોલીસમાં થઇ રહી છે. જોકે આ રેડનો જશ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ લઈ જતા સ્થાનિક પોલીસ પણ આ લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલ ખોલી રહી છે. જોકે સત્ય શંુ તે તપાસનો વિષય છે.

આરોપીનો કોરોના ટેસ્ટ ફરજીયાત
કોઈપણ પ્રકારનો આરોપી હોય તેના કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. અને કોઈ એવા સંજોગો હોઈ શકે તો તેનો રેપિડ ટેસ્ટ કરાવીને હોમ ક્વોરોન્ટાઈન કરવા જરૂરી છે. કારણ કે કોઈપણ આરોપી કોરોનાગ્રસ્ત મળે તો પોલીસ કર્મચારીઓને પણ તેનો ચેપ લાગી શકે છે. જેના માટે જાગૃતિ અને સરકારી ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ જરૂરી છે.
- ડો. જીગ્નેશ હરીયાણી (અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા.)

જુગારીયાઓના નામ    રહેઠાણ    રોકડ રકમ    મોબાઈલ
૧. મહેશકુમાર ભોમાજી પરમાર    મોટીઢાણી, માલગઢ    રૂા. ૨૭,૦૦૦    રેનો-૨, રૂા. ૧૦,૦૦૦
૨. નવીનભાઈ તલકાજી પરમાર    રાણપુર રોડ, ડીસા    રૂા. ૨૧,૫૦૦    ઉલ્લેખ નથી
૩. હરેશકુમાર શંકરલાલ માળી    જાેધપુરીયા ઢાણી, ડીસા    રૂા.  ૪૬,૩૦૦    સેમસંગ ગેલેકસી, રૂા. ૪૦૦૦
૪. સુરેશભાઈ શામળાજી સોલંકી    વંદના સોસાયટી, ડીસા    રૂા. ૪૨,૫૦૦    ઉલ્લેખ નથી
૫. શાંતિલાલ નારણભાઈ માળી    અમી સોસાયટી, ડીસા    રૂા. ૬૧,૦૦૦    સેમસંગ સી-૭, રૂા. ૫૦૦૦
૬. રાજેશકુમાર ગોવિંદલાલ કચ્છવા    વડાવળ, ડીસા    રૂા. ૪૩,૯૦૦    ઉલ્લેખ નથી    
૭. ધવલ વાઘેલા    ડીસા    રૂા. ૧,૨૧,૨૦૦    વન પ્લસ-૬, રૂા. ૧૦,૦૦૦    
૮. મુકેશભાઈ સોમાજી માળી    અનુપમ સોસાયટી, ડીસા    રૂા. ૨૪,૦૦૦    ઉલ્લેખ નથી
૯. નવીનકુમાર મકવાણા    ડીસા    રૂા. ૩૬,૦૦૦    ઉલ્લેખ નથી


પોલીસે કાયદેસરની કાર્યવાહીમાં છોડેલા મુદ્દાઓ
ગુજરાત રાજ્યનો જુગારનો કાયદો
ગુજરાતમાં જુગારનો કાયદો વર્ષ ૧૮૮૭માં બનાવેલ. આ કાયદાનું નામ બોમ્બે પ્રિવેન્સન ઓફ ગેમ્બલીંન એકટ છે. આ કાયદો મુળ બોમ્બે રાજ્યનો હતો. જે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ પડયા પછી ગુજરાતમાં આ કાયદો જુગાર પ્રતિબંધક અધિનિયમ તરીકે ઓળખાય છે. આ કાયદાની કલમ ૩ માં જુગાર કોને કોને કહેવાય તેનો ઉલ્લેખ છે. કલમ ૧૨ (અ) મુજબ જાહેર જગ્યાએ જુગાર રમવું અને કલમ ૪ અને ૫ મુજબ બંધ રૂમ કે ચાર દિવાલની વચ્ચે જુગાર રમતા કે રમાડવા ઉપર લાગુ પડી શકે છે. કલમ ૬ મુજબ જુગાર રમતા અને રમાડવાવાળા પોતાનું ખોટુ નામ બતાવે ત્યારે લગાવે છે. અને કલમ ૭ માં કોર્ટમાં ગુનો સાબિત કરવા માટે છે.


પોલીસે કરેલી કાર્યવાહી
પોલીસે માત્ર કલમ નં. ૧૨ લખી એફ.આઈ.આર. કરી છે.


પોલીસે છોડી દીધેલા મુદ્દા
- પોલીસે આ એફ.આર.આઈ.માં ચામુંડા ફાર્મના ધાબા ઉપર નિયમિત રમાતા જુગાર એટલે કે કલમ નં. ૪ અને ૫ મુજબ કાર્યવાહી કરવાની જગ્યાએ જાહેર સ્થળ બતાવ્યું છે.
- જાહેર સ્થળ બતાવ્યા પછી કોરોના મહામારીને ૧૪૪ કલમ  કલેકટરના જાહેરનામાના ભંગની એફ. આઈ.આર. માં કોઈ ઉલ્લેખ થયો નથી.
- આ સ્થળ ઉપર જુગારીયાઓ કેવી રીતે એકત્રીત થયા તેનો કે તેના વાહનનો કોઈ ઉલ્લેખ નથી.
- આ જુગારીઓનો કોરોના ટેસ્ટ થવો જાેઈએ કે નહીં તેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
- શાન્તીલાલ નારણભાઈ માળી જેઓ તેમનું દરેક જગ્યાએ માળીના બદલે સોલંકી અટક લખાવે છે. જ્યારે તેઓ દિપક હોટલ પાછળ રહે છે પરંતુ તેમનું સરનામું અમી સોસાયટી બતાવ્યું છે. આમ ખોટું સરનામું  બતાવ્યા બદલ જુગાર અધિનિયમની કલમ ૬ નો ભંગ થાય છે.


આવનારા આકર્ષણો
- એલ.સી.બી.ના મિલનના ડીસા ખાતેના કેટલાક ધંધાકીય
ભાગીદારોની માહિતી ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરશું.
- ડીસા સ્પોર્ટસ કલબના મોવડી મંડળના કરતૂતો

તો અમારું ધ્યાન દોરો...
અમે આ તમામ માહિતી આધારભૂત સૂત્રો દ્વારા મેળવી છે કેટલીક બાબતો દીવા જેવી છે. કેટલીક અંદાજીત છે, અને કેટલીક અનુભવના આધારે લખી છે. તેમ છતાં આ સમાચાર કોઈ ભુલ રહી હોય અમારૂ ધ્યાન લેખિતમાં દોરવું જેથી અમારી ભુલ અમે સુધારી લઈએ.

Download Our B K News Today App



Related News