છેલ્લાં બે દાયકામાં ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા સહિત તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ કર્યો છે કૃષિ મંત્રી આર.સી.ફળદુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-28 11:37:51
  • Views : 458
  • Modified Date : 2020-01-28 11:37:51

બનાસકાંઠા જિલ્લાના
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ આઝાદી સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લદભાઇ પટેલ સહિત રાષ્ટ્ર સપૂતો અને વીર શહીદોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર આજે પૂ. બાપુની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યુ છે ત્યારે બાપુના શબ્દોમાં રાજયની નીતિઓ સમાજના છેવાડે વસતા ગરીબ અને નબળા વર્ગના લોકોના વિકાસમાં સહાયરૂપ બને એ જ સાચુ સુશાસન છે. 
 બનાસકાંઠા જિલ્લામાં થયેલ પ્રગતિ અંગે વાત કરતા જણાવ્યું કે,   બનાસકાંઠા જિલ્લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિક્રમજનક પ્રગતિ થઇ છે. જિલ્લાના ૪.૫૦ લાખ
પશુપાલકો દૈનિક ૭૦ લાખ લીટર જેટલુ મબલખ દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. તેમજ દૂધના માસિક પેમેન્ટ તરીકે બનાસ ડેરી દ્વારા રૂ. ૬૦૦ કરોડની ચુકવણી પશુપાલકોને કરવામાં આવે છે. દૂધ સંપાદનમાં બનાસ ડેરી ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે.  ટપક અને ફુવારા પધ્ધતિ
અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે. પીએમ કિસાન સમ્માનનિધિ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૪,૧૯,૯૦૯ ખેડૂત કુંટુંબોને લાભ આપવામાં આવ્યો છે. જે ગુજરાત સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમે છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં ૨૦૦૮માં ૫૦ કોલ્ડ સ્ટોરેજની સામે વર્ષ ૨૦૧૯ સુધીમાં જિલ્લામાં કુલ ૨૦૦ જેટલા કોલ્ડ  સ્ટોરેજની માળખાકીય સુવિધાઓ ઉભી થઇ છે. બટાટા, રાઇ, બાજરી, મગફળીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે તેમજ દાડમ, જીરૂ અને દિવેલામાં સમગ્ર રાજયમાં બીજા સ્થાને છે. ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રણતીડ આવ્યા ત્યારે સરકાર દ્વારા યુધ્ધતના ધોરણે કામગીરી હાથ ધરી રણતીડનો સફાયો કરવામાં આવ્યો હતો. રણતીડથી ખેતીપાકોને થયેલ નુકસાન માટે ૧૧,૧૬૬ અસરગ્રસ્ત ખેડૂતોને ૧૩,૭૬૩ હેકટર વિસ્તારમાં રૂ.૧૮,૫૦૦/- લેખે હેક્ટર દીઠ વધુમાં વધુ ૨ હેક્ટર માટે કુલ રૂ. ૨૫.૪૬ કરોડની સહાય ચુકવવામાં આવશે. ઉદ્યોગ, ઉર્જા, શિક્ષણ, રોજગાર, આરોગ્ય વગેરે પાયાના ક્ષેત્રોમાં ગુજરાત આજે સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યું છે જે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે.
આ પ્રસંગે વિવિધ કચેરીઓ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ અંગે આકર્ષક ટેબ્લો  રજૂ કરવામાં આવ્યો હતા. મંત્રીના હસ્તે રૂ. ૨૫ લાખના ૬ જેટલાં વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું મંત્રીના હસ્તે  સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉજવણી પ્રસંગે દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા મંત્રીએ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી.

Download Our B K News Today App



Related News