વિક્રમ લેન્ડર આવતીકાલે ચંદ્ર ઉપર ઐતિહાસિક ઉતરાણ માટે તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 12:35:57
  • Views : 519
  • Modified Date : 2019-09-06 12:35:57

ચંદ્રયાન-2નું લેન્ડર 'વિક્રમ' શનિવારે વહેલી સવારે ચંદ્રના દક્ષિણ ધૂ્રવની સપાટી પર ઐતિહાસિક ઉતરાણ કરશે. ભારત સૌપ્રથમ વખત કોઈ ઉપગ્રહ પર તેના યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવી રહ્યું છે. આ 'ઐતિહાસિક ક્ષણ'ની ઈસરોના વૈજ્ઞાાનિકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વિક્રમના સફળ ઉતરાણને પગલે ભારત રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર યાનનું ઉતરાણ કરનાર ચોથો જ્યારે દક્ષિણ ધૂ્રવ પર મિશન હાથ ધરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. 'પ્રજ્ઞાાન' રોવર સાથે 'વિક્રમ' શુક્રવારે મોડી રાતે 2.30 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનું છે. હાલ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 35 કિ.મી.ની ભ્રમણ કક્ષામાં ફરે છે, જે તેના અંતિમ ઉતરાણની શરૂઆત માટેની સૌથી નજીકની ભ્રમણ કક્ષા છે. હાલ વિક્રમ અવાજની ગતિએ પ્રતિ ક્લાક 6,000 કિ.મી.ની ગતિએ ચંદ્રની સપાટી ફરતે ભ્રમણ કરી રહ્યું છે. ઉતરાણના અંતિમ સમય પૂર્વે વિક્રમ ચંદ્રની સપાટીથી તેની ઊંચાઈ ઘટાડીને 22.5 કિ.મી. સુધી લઈ આવશે. ત્યાર બાદ તેની ગતિ ઘટાડીને પ્રતિ ક્લાક 5,500 કિ.મી. કરાશે અને તેને 7.4 કિ.મી.ની ઊંચાઈ પર લવાશે. ત્યાર પછી તેને પ્રતિ ક્લાક 526 કિ.મી.ની ઝડપે નીચે ઉતારવામાં આવશે. છેવટે વિક્રમને ક્રમશ: ચંદ્રની સપાટીથી 400 મીટરની ઊંચાઈ સુધી નીચે લવાશે. આ ઊંચાઈ સુધી આવતા વિક્રમની ગતિ ઘટીને પ્રતિ ક્લાક 100 કિ.મી. થઈ જશે. ચંદ્રની સપાટીથી 400 મીટરની ઊંચાઈ પર આવ્યા પછી વિક્રમ હવામાં ફરતાં ચંદ્રની સપાટીનો ડેટા એકત્ર કરશે. છેવટે તે ચંદ્રની સપાટીથી 100 મીટરની ઊંચાઈ સુધી આવી જશે. આ ઊંચાઈ પર વિક્રમ ઉતરાણ માટે સપાટી પર યોગ્ય જગ્યા નિશ્ચિત કરશે. આ બધું જ કામ વિક્રમ લેન્ડરમાં લાગેલા ઓનબોર્ડ કમ્પ્યુટર અને સેન્સર કરશે. ઈસરોના ચેરમેન કે. સિવાને જણાવ્યું હતું કે ચંદ્રની સપાટીથી 30 કિ.મી.ના અંતરથી ઉતરાણની પ્રક્રિયા શરૂ થશે અને આ સમગ્ર પ્રક્રિયા 15 મિનિટના સમયમાં પૂરી થશે. વિક્રમનો આ 15 મિનિટનો પ્રવાસ ઈસરો માટે એકદમ નવો છે. વિક્રમના સફળ ઉતરાણ બાદ શનિવારે વહેલી સવારે 5.30થી 6.30 વચ્ચે તેમાંથી 'પ્રજ્ઞાાન' રોવર બહાર નીકળશે. 'પ્રજ્ઞાાન' પૃથ્વીના 14 દિવસ સમકક્ષ એક ચંદ્ર દિવસના સમય સુધી ચંદ્રની સપાટી પર પ્રયોગો હાથ ધરશે ત્યારે મુખ્ય ઓર્બિટર એક વર્ષ માટે તેના મિશન પર ચાલુ રહેશે. વિક્રમ અને પ્રજ્ઞાાન તેમની સાથે ચંદ્રની સપાટી પર દેશના પ્રતિકની પણ છાપ છોડશે, જે લાંબા સમય સુધી રહેશે. પ્રજ્ઞાાનના છ વ્હિલ છે, જેમાં પાછળના બે વ્હિલ્સ પર અશોક ચક્ર છે અને અન્ય પર ઈસરોનું પ્રતિક છે. વિક્રમના રેમ્પ પર ભારતીય ધ્વજ અંકિત હશે.

Download Our B K News Today App



Related News