થરાદમાં વિદ્યાર્થીઓએ બસ મુદ્દે કર્યો ચક્કાજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 12:28:54
  • Views : 444
  • Modified Date : 2019-07-27 12:28:54

એક તરફ ગુજરાત સરકાર દ્વારા સલામત અને સુવિધાસભર એસટીમાં મુસાફરી થઈ શકે તે માટે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જેવા અતિ પછાત અને સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓને બસમાં પૂરતી સુવિધા ન મળતા
આંદોલનનો માર્ગ અપનાવવો પડ્‌યો છે અને ગતરોજ થરાદમાં ૧૪૦થી  વધુ વિદ્યાર્થીઓએ બસમાં સુવિધાના અભાવે બસ સ્ટેન્ડ આગળ જ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે અને તેમાંય છેવાડાના અને ગામડાના વિદ્યાર્થીઓ સલામતી સાથે મુસાફરી કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે. પરંતુ બનાસકાંઠાના થરાદ તાલુકાના બે ગામના વિદ્યાર્થીઓને બસમાં યોગ્ય સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા થરાદ તાલુકાના ખડોલ અને બાહિસરા ગામના ૧૫૦ થી
પણ વધુ વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે થરાદ અપડાઉન કરે છે.  જો કે  આ વિદ્યાર્થીઓને સમયસર બસ નથી મળતી અને જો બસ મળે છે તો તેમાં બેસવાની સુવિધા હોતી નથી. ત્યારે બસમાં કોઈ સુવિધા ન હોવાના કારણે ૧૫૦ થી પણ વિદ્યાર્થીઓ રોજ હેરાન થાય છે તે માટે વિદ્યાર્થીઓએ અવારનવાર તંત્રમાં રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી કોઇ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ શુક્રવારે ફરી ડેપો મેનેજરને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ત્યાં પણ કોઈજ તેમની વાત સાંભળવા વાળુ ના હોવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો. બસ સ્ટેન્ડ આગળ જ ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ વિરોધ દર્શાવતા ચક્કાજામ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત એક કલાક સુધી સમજાવવા છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાની માંગ પર અડગ રહેતા આખરે પોલીસે બળપૂર્વક વિદ્યાર્થીઓને ખસેડયા હતા.

Download Our B K News Today App



Related News