ડાકોર : ચૈત્રી પૂનમના દિવસે દર્શન કરવા લાખોનો ધસારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:17:52
  • Views : 501
  • Modified Date : 2019-04-18 06:17:52

શુક્રવારે તા.૧૯મી ચૈત્રી પૂનમે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજીના દર્શનને લઇ હાલ લાખો શ્રધ્ધાળુ ભકતોનો પ્રવાહ અને ધસારો ડાકોર તરફના માર્ગો પર જાવા મળી રહ્યો છે. ડાકોર તરફના માર્ગો પર નિશુલ્ક સેવા કેમ્પો ઉનાળાની બળબળતી ગરમીમાં જાણે શ્રધ્ધાળુ યાત્રિકો માટે આશીર્વાદ સમાન બન્યા છે. સેવા કેમ્પોમાં સેંકડો કાર્યકરો દર્શનાર્થી યાત્રિકોની સેવા માટે ખડેપગે તૈનાત રહ્યા છે. બીજીબાજુ, ડાકોર ખાતે ચૈત્રી પૂનમના દિવસે રાજાધિરાજ રણછોડરાયજીને વિશેષ સાજ-શણગાર, બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ, રાજભોગ, મહાભોગ સહિત ખાસ પૂજા-અર્ચનાનું પણ આયોજન કરાયું છે. તો, ચૈત્રી પૂનમના દર્શનના અનેરા મહાત્મ્યને લઇ અમદાવાદ, મુંબઇ, વડોદરા, સુરત સહિતના સ્થળોએથી ૩૦થી વધુ સંઘો પણ ડાકોર તરફ પહોંચી રહ્યા છે. ચૈત્રી પૂનમને લઇ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક અંદાજ મુજબ, ચૈત્રી પૂનમના દિવસે પાંચ લાખ જેટલા શ્રધ્ધાળુ ભકતો ડાકોરના ઠાકોરના દર્શન કરશે. ડાકોરમાં ફાગણી પૂનમે તો લાખોનો માનવ મહેરામણ રાજા રણછોડના દર્શનાર્થે ઉમટે છે પરંતુ ફાગણી પૂનમની સાથે સાથે ચૈત્રી પૂનમનું પણ એટલું જ અનેરૂં અને વિશેષ મહત્વ છે. ચૈત્રી પૂનમના વિશેષ દર્શનના લાભ માટે અમદાવાદ અને તેની આસપાસના ગામડાઓ અને મુંબઇ, સુરત, વડોદરા સહિતના સ્થળોએથી પણ લાખોની સંખ્યામાં ભકતો રાજા રણછોડના દર્શનાર્થે ઉમટે છે, જેમાં હજારો પદયાત્રિકો તો, ચાલતા ડાકોરના દર્શન કરવા જાય છે. હજારો પદયાત્રિકોને રણછોડરાયજીના દર્શન સુધીની સફરમાં કોઇ તકલીફ ના પડે અને ઉનાળાની આ બળબળતી ગરમીમાં તેમને તમામ સુવિધા અને સેવા મળી રહે તે હેતુથી માર્ગોમાં નિશુલ્ક સેવા કેમ્પો પણ ધમધમી રહ્યા છે. ડાકોર-મહુધા રોડ પર જીઇબીની સામે છેલ્લા ૨૩ વર્ષોથી ડાકોરના પદયાત્રિકો માટે જય રણછોડ વિસામો નામે નિશુલ્ક સેવા કેમ્પ લગાવતાં હસમુખભાઇ પટેલ(બાવળાવાળા)એ જણાવ્યું હતું કે, રણછોડરાયજી મહારાજના દર્શને જતાં હજારો પદયાત્રિકોની સેવા અને સરભરા કરીએ જ અમારો નિસ્વાર્થ ઉદ્દેશ હોય છે. પદયાત્રિકો માટે સેવા કેમ્પમાં ચા, પાણી, નાસ્તો, બપોરના અને સાંજના સમયે ભોજન ઉપરાંત પ્રાથમિક આરોગ્ય સારવાર સહિતની સેવા ૨૪ કલાક પૂરી પાડવામાં આવે છે. 


Download Our B K News Today App



Related News