ડીસામાં અધધ રૂ. ૧.૬૫ કરોડના સીસીટીવી કેમેરા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-07 11:29:41
  • Views : 1095
  • Modified Date : 2020-06-07 11:29:41

ડીસા નગરપાલિકામાં ૨૦૧૭ ની સાલમાં તત્કાલીન પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી સીસીટીવી લગાવ્યા હતા. જોકે આ સીસીટીવીમાં ચૂકવેલ રકમને લઈને હવે પાલિકામાં ગરમાવો આવ્યો છે અને તત્કાલીન પ્રમુખ અને ચીફ ઓફિસર સામે શંકાના દાયરામાં આવ્યા છે.
બનાસકાંઠાના વિવાદિત ડીસા નગરપાલિકામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ડીસા પાલિકાએ ૨૦૧૭ની સાલમાં શહેરના માર્ગો અને પાલિકા કચેરીને સીસીટીવી કેમેરાથી સજજ કરેલ અને જે કેમેરા ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કરી સેફ સોલ્યુશન કંપની ગાંધીનગરથી રૂ ૧.૬૫ કરોડના કેમેરાની ખરીદી કરેલ. જેમાં રૂ. ૧.૭૧ લાખનો એક કેમેરો એવા ૧૨ કેમેરાના રૂ. ૨૦.૫૨ લાખ ચૂકવેલ, એનવીઆર ખરીદેલ જેના રૂ. ૧૨.૫૪ લાખ ચૂકવેલ. જ્યારે રૂ. ૨.૯૬ લાખના બે ડેસ્કટોપ પીસી ની ખરીદી કરેલી, જ્યારે વિડીયો વોલના રૂ. ૧૬.૩૮ લાખની રકમ ચૂકવેલ. તદુપરાંત રૂ. ૪.૭૧ લાખના એક કેમેરા એવા સાત કેમેરાના રૂ. ૩૦ લાખ, રૂ. ૪.૩૭ લાખના ત્રણ કેમેરા જેના રૂ. ૧૧.૯૩ લાખ અને રૂ. ૧.૭૧ લાખના છ કેમેરા જેના રૂ. ૯.૩૩ લાખની ચુકવણી કરેલી. સાથે વિડીયો મેનેજમેન્ટ સોફ્‌ટવેરના રૂ. ૨.૧૬ લાખ,અને ૯૦ ફૂટ ટાવરના રૂ. ૧.૩૩ લાખ, ૪૦ ફૂટના ૩૦ ટાવરના રૂ. ૧૦ લાખની ચુકવણી કરેલ. જોકે આ તમામ નાણાં ૧૪મી નાણાં પંચની રકમમાંથી પ્રથમ બીલ સીસીટીવી કેમેરા લગાવવા રૂ. ૬૦ લાખ ચૂકવેલ. જયારે બીજું બીલ સીસીટીવી કેમેરા ખરીદી માટે રૂ. ૮૬ લાખ અને ત્રીજુ બીલ કેમેરામાં કામ માટેનું બીલ દર્શાવી રૂ. ૧૮ લાખની ચુકવણી કરેલ. જોકે આટલા મોંઘા સીસીટીવી  કેમેરાને લઈને સૌ કોઈ ચોંકી ઉઠ્‌યા છે. ત્યારે તત્કાલીન પ્રમુખ પ્રવિણ માળી અને ચીફ ઓફિસર સામે શંકા ઉભી થઇ છે અને જેને લઈને છેલ્લા છ માસથી
પાલિકામાં ચર્ચાએ જોર પકડ્‌યું છે કે આટલા મોંઘા કેમેરા બાબતે તપાસ થવી જોઈએ.
પરંતુ હજુ સુધી કોઈ સભ્ય કે આમ જનતા આગળ આવી નથી, જેથી તત્કાલીન પ્રમુખ સામે હજુ કોઈ ચેલેન્જ કરી શકતા નથી.
આ બાબતે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે આ કેમેરા ખરીદી મારા વખતમાં થઇ નથી કે નથી કોઈએ તપાસ માટે અરજી કરી. જો અરજી આવશે તો ચોક્કસ તપાસ કરીશું. જ્યારે ધારાસભ્ય શશીકાંત પંડ્‌યાએ જણાવ્યું હતું કે આટલા મોંઘા કેમેરા શંકા ઉપજાવી રહ્યા છે મને કેટલાક સભ્યોએ રજૂઆત કરી છે કે આમાં ગેરરીતિ થઈ છે પણ ગેરરીતિ થઈ હોય તો ચોક્કસ તપાસ થવી જોઈએ.
ડીસા પાલિકામાં ગાંધીનગરની સેફ સોલ્યુશન કંપનીને ચૂકવેલ નાણાંને લઈને હવે ફરી તત્કાલીન પ્રમુખ પ્રવિણ માળી અને તત્કાલીન ચીફ ઓફિસર સામે અનેક સવાલો ઉભા થયા છે. સાથે ૧૪ મી નાણાં પંચના આટલા નાણાં શહેરના વિકાસ માટે વાપરવા જરૂરી હતા, ત્યારે મોંઘાદાટ કેમેરાની ખરીદી કરી નાણાંનો વ્યર્થ થયો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News