મ્યુકોરમાઇકોસિસ : અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં મ્યુકોરમાઇકોસિસના 112 દર્દીઓ દાખલ, નવો વોર્ડ ઉભો કરાયો, સિવિલમાં રોજના 10 દર્દીના ઓપરેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 17:03:55
  • Views : 277
  • Modified Date : 2021-05-12 17:03:55

    રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. જેની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસોનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે દાખલ થઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં પણ 27 દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગના રોજના 10 જેટલા દર્દીઓ ઓપરેશન કરી અને સારવાર કરવામાં આવે છે. અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસ કેસો વધતાં હવે અલાયદા વોર્ડ ઉભા કરવાની પરિસ્થિતિ સામે આવી છે. સિવિલના ENT અને ડેન્ટલ કોલેજમાં 4 જેટલા વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે.

    સિવિલ હોસ્પિટલના ENT વિભાગના ડો. કલ્પેશ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસના કેસોની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં વધારો નોંધાયો છે. ENT વિભાગમાં 3 જેટલા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જે તમામ દર્દીઓથી ભરેલા છે. બીજા નવા વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. રોજના 5થી 10 કેસોની જગ્યાએ હવે 30થી વધુ દર્દીઓ રોજ દાખલ થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મુખ્યત્વે તમામને કોરોના થયો હોય અને ત્યારબાદ આ રોગ જોવા મળ્યો છે. ઉપરાંત ડાયાબિટીસના અને રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દર્દીમાં પણ આ રોગ થયો છે. જ્યાં પણ ફંગસ ઇન્ફેક્શન હોય ત્યાં ઓપરેશન કરી ભાગ દૂર કરી સારવાર કરવામાં આવે છે.

    30 જેટલા દર્દીઓના વોર્ડમાં મ્યુકોરમાઇકોસિસના 27 દર્દીઓ હાલ દાખલ છે. જેમા 13 મહિલા, 14 પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હતી જ્યારે 7 દર્દીઓ ઘરે જ સારવાર કરી સાજા થયા હતા. રોજના 5 જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. ડેન્ટલ કોલેજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે 30 બેડનો અલદાયો વોર્ડ શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ વોર્ડ તૈયાર થઈ જશે અને દર્દીઓ વધશે તો સીધા આ વોર્ડમાં દાખલ કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News