આજથી ગીરનાર પર્વત પર કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 16:23:30
  • Views : 69
  • Modified Date : 2023-12-30 16:23:30

જૂનાગઢમાં આવેલા અને ગુજરાતના જાણીતા યાત્રાધામ ગીરનાર પર્વત પર આજથી કોઇપણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઇ જઇ શકાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે ગીરનારમાં પ્લાસ્ટિકનાં ઉપયોગ અટકાવવા મામલે કડક આદેશ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આજથી ગીરનાર પર્વત પર કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. ગીરનાર અને દાતાર પર્વત પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એન્ટ્રી પોઇન્ટથી જ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પર રોક લગાવવાનો આદેશ છે. ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ 30 ડિસેમ્બર એટલે કે આજથી જ આ નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે. ગિરનાર વિસ્તારમાં થતાં પ્રદૂષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. ત્યારે ગત સુનાવણી દરમિયાન પ્લાસ્ટિકનાં ઉપયોગ અટકાવવા મામલે હાઇકોર્ટે કડક આદેશ આપ્યા હતા.મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સરકારની નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સુનાવણી દરમિયાન જણાવ્યુ હતુ કે ગીર વિસ્તારમાં પ્લાસ્ટિકનાં ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકો.પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. સાથે જ કડક શબ્દોમાં જણાવ્યુ હતુ કે આ મામલે જૂનાગઢ કલેક્ટર શું કરી રહ્યા છે ? અમને માત્ર બહાના નહીં, કડક કામગીરી જોઈએ છે.આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતુ કે ગીરનારમાં સ્વચ્છતા અંગે ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સ્ટીલની બોટલ અથવા અન્ય ઉપાય વિચારવા પણ ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી. ગીરનાર પર્વત પર તમામ તકલીફો દૂર કરવા કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News