વડોદરાના ઇટોલા બેઠકની ટિકિટ માટેની સંકલન સમિતિની બેઠકમાં કરજણના વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ વચ્ચે બોલાચાલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 15:55:38
  • Views : 290
  • Modified Date : 2021-02-01 15:55:38

    આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા પ્રથમ સ્થાનિક નિરીક્ષકો દ્વારા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી, ત્યાર બાદ બીજા તબક્કામાં પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો દ્વારા સાંસદો, ધારાસભ્યો અને મંડળની સંકલન સમિતિને નિરીક્ષકો દ્વારા સાંભળવાની બે દિવસની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે દરમિયાન કરજણના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ભાંજગડ ઊભી થતાં તેઓ અગ્રણીઓની હાજરીમાં બોલાચાલી પર ઉતરી આવ્યા હતા.

    ડભોઇ, ડભોઇ નગર, પાદરા, પાદરા નગર, કરજણ અને શિનોર વિભાગના સાંસદ ધારાસભ્ય અને મંડળ સંકલન સમિતિને પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણ અને પંકજ દેસાઇ દ્વારા સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ મોટી સંખ્યામાં ટિકિટો માંગવામાં આવી હોવાથી આગેવાનો માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા ખુબ અઘરી બની છે. પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રદેશની ગાઈડલાઈન અનુસાર જે બંધ બેસતા હશે તેવાને જ પ્રાથમિકતા આપવામાં આવશે. ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓ પણ ટિકિટની માંગણી કરી હોવાથી તે બાબતે પણ તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશના નિયમોનુસાર બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નામો નક્કી કરવામાં આવશે અને અહીંથી નામોની યાદી આખરી પાર્લામેન્ટરી બોર્ડમાં જ રજૂ કરવાની છે અને ત્યાં નામો નક્કી થશે.

    નિરીક્ષકોની સંકલન બેઠકમાં પાદરા તાલુકાની બેઠકો માટેની ચર્ચામાં દિનુમામા સાથે મંડળની સંકલન સમિતિ સાથે રહીને નિરીક્ષકોને રજૂઆત કરી હતી, ત્યારે કમલેશ પરમાર દ્વારા વ્યક્તિગત રીતે રજૂઆત કરવામાં આવી હતી.

    તેવી જ રીતે કરજણમાં વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને માજી ધારાસભ્ય સતિષ પટેલ વચ્ચેનો વિવાદ જગજાહેર હોવાથી સંકલન ન થતું હોય સૌપ્રથમ તો તેઓ બધાને મોબાઈલ બહાર મૂકી આવવા જણાવવામાં આવ્યું હતું, ત્યાર બાદ નિરીક્ષક અને જિલ્લા મહામંત્રી સાથે રહી અને બહાર બેસીને નામો પર સંકલન કરીને ચર્ચા કરી હતી, ત્યાર બાદ જ નિરીક્ષકો સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન ફક્ત કરજણમાં રજૂઆત કરનારા ધારાસભ્ય, માજી ધારાસભ્ય સૌના મોબાઈલ બહાર મૂકવામાં આવ્યા હતા. આ રીતે બે મંડળમાં વિવાદ રહ્યો હતો. બાકીના મંડળોમાં શાંતિપૂર્વક રજૂઆતો સાંભળવામાં આવી હતી.

    કરજણની ઇટોલા બેઠક માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ(નિશાળીયા) વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની હાજરીમાં બોલાચાલી થઈ હતી. માજી ધારાસભ્યની ઈચ્છા મુજબનું નામ રજૂ ન થતાં તેમણે ફોન કરીને ટિકિટ વાંચ્છુકોને બોલાવી લીધા હતા. જેની જાણ વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને થતાં તેઓ ગુસ્સે ભરાયા હતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં બંને ઝઘડી પડ્યા હતા. આખરે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાએ ખુબ રાજકીય વિવાદ ઉભો કર્યો છે.


Download Our B K News Today App



Related News