ઘટનાસ્થળ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ઈરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિઅર વૈજ્ઞાનિકનો ઉલ્લેખ, CCTV ફૂટેજમાં બે શંકાસ્પદ જોવા મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 12:08:33
  • Views : 244
  • Modified Date : 2021-01-30 12:08:33

    દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો. ઘટનાસ્થળથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને અડધો સળગેલો ગુલાબી રંગનો દુપટ્ટો (scarf) અને ઈઝરાયેલી રાજદૂતના નામે એક પરબીડિયું મળી આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પરબીડિયાની અંદરથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં ‘આ તો ટ્રેલર છે’ લખેલું છે, સાથે જ આ ચિઠ્ઠીમાં ઈરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિઅર વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાહેદનો પણ ઉલ્લેખ છે. ફોરેન્સિક ટીમ હવે ફિંગરપ્રિન્ટની તપાસ કરવામાં લાગી ગઈ છે.

    પોલીસે ઘટનાસ્થળ પાસે લાગેલા સીસીટીવીથી બે શંકાસ્પદોની ઓળખ પણ કરી છે. આ બન્ને શંકાસ્પદ એક કેબમાંથી ઊતરતા જોવા મળ્યા હતા. પોલીસે કેબ-ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી દીધી છે. ડ્રાઈવરની મદદથી બન્ને શંકાસ્પદોનો સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસે મોડી રાતે ઘણા વિસ્તારોમાં દરોડા પણ પાડ્યા છે.દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ પાસે શુક્રવાર સાંજે લગભગ 5 વાગ્યે બ્લાસ્ટ થયો. દૂતાવાસની ઈમારતથી લગભગ 150 મીટરના અંતરે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા નથી પહોંચી, પણ આસપાસ ઊભેલી પાંચ ગાડીને નુકસાન થયું છે.ઈઝરાયેલે આને આતંકી હુમલો જાહેર કર્યો છે. બ્લાસ્ટ અંગે ચિંતા એટલા માટે પણ વધી ગઈ, કારણ કે શુક્રવારે જ ભારત-ઈઝરાયેલની કૂટનીતિક સંબંધોની 29મી વર્ષગાંઠ હતી.

    બ્લાસ્ટ પાછળ ઈરાનનો હાથ હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયેલની તપાસ એજન્સી મોસાદ પોતે આ મામલાની તપાસ માટે દિલ્હી આવી શકે છે. તો આ તરફ ક્રાઈમ બ્રાન્ચ સાથે સ્પેશિયલ સેલ અને NIAની ટીમે પણ કેસની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં રહેતા તમામ ઈરાની લોકોની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે તમામ હોટલની તપાસ પણ શરૂ કરી દીધી છે.

    આ પહેલાં ફેબ્રુઆરી 2012માં પણ ઈઝરાયેલી દૂતાવાસની એક કારને નિશાન બનાવવામાં આવી હતી. ભારતમાં ઈઝરાયેલના રાજદૂતની કારમાં 13 ફેબ્રુઆરી 2012ના રોજ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રાજદૂતના ડ્રાઈવર સહિત 4 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલે ઈરાન પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકાળમાં રાજધાની દિલ્હીમાં આ પહેલો બ્લાસ્ટ છે.

Download Our B K News Today App



Related News