શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે? જો તમારે સેવા કરવી જ હોય તો ભાજપના તમામ કાર્યાલય પરથી રેમડેસિવિર મફત વહેંચવા જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 13:24:11
  • Views : 270
  • Modified Date : 2021-04-10 13:24:11

    કોરોનાના દર્દીના સગા રેમડેસિવિર ઇન્જેક્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરતાં લોકોની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે આક્ષેપ કરતાં કહ્યું છે કે ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને હડીયાપટી કરતા લોકોને રેમડીસીવીર મેળવવા મુશ્કેલ છે.રીપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા " સોર્સ "થી લાવ્યા આ અતિ ગંભીર સવાલ છે. તેમણે એવો ટોણો પણ માર્યો હતો કે સેવા માત્ર સુરતમાં જ કેમ? શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે? સેવા કરવી જ હોય તો ભાજપના તમામ કાર્યાલય પરથી રેમડેસિવિર મફત વહેંચવા જોઈએ.

    કોરોનાની વેક્સિન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડીકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સીસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે. હજુ ગઈ કાલે જ રાજ્ય સરકારે સીવીલ હોસ્પિટલથી ખાનગી દવાખાનાઓને અપાતો રેમડેસિવિરનો સપ્લાય બંધ કર્યો છે ત્યારે આ સપ્લાય સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી કરી દીધો ને? આ શંકા થવી સ્વાભાવિક છે. શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડીકલ સ્ટોર્સના બદલે કમલમ મોકલવા પડશે?

    કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે રસીકરણનું રાજકિયકરણ કર્યું છે. સરકારે પોતાના મળતીયાઓને કાળાબજાર કરવાની છુટ આપી છે. કેન્દ્રની ટીમે સુરત, વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં કાળાબજાર થઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ઝાયડસ હોસ્પિટલમાંથી 800માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. પરંતુ સરકારે ઈન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. સુરતમાં ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઈન્જેક્શનનું વેચાણ કરવાની પરવાનગી કોણે આપી એવો પણ તેમણે સવાલ કર્યો હતો. દર્દીઓ માટે જરૂરી ઈન્જેક્શનની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવાની હોય પરંતુ ભાજપ કાર્યાલયથી વેચાણ કરવાની પરવાનગી કોણે આપી. સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે.


Download Our B K News Today App



Related News