બિલોદરા ગામમાં દૂષિત પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 18:04:19
  • Views : 296
  • Modified Date : 2019-12-27 18:04:19

માણસા તાલુકાના બિલોદરા ગામમાં છેલ્લા એક માસથી દૂષિત પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. તેના કારણે રોગચાળાની દહેશતથી ગ્રામજનો ફફડી રહ્યાં છે. ગટર લાઇનમાં ભંગાણ પડ્યુ હોવાના કારણે સર્જાયેલી સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયેલા સરપંચ અને તલાટી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે બિલોદરાના ગ્રામજનો પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે એક માસથી વલખાં મારી રહ્યાં છે. ડોર ટૂ ડોર સપ્લાય કરાતા પાણીની લાઇનમાં દૂષિત પાણી આવી રહ્યું છે. તલાટી અને ઇનચાર્જ સરપંચને જાણ કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. ગામની સીમના ખેતરમાં જઇ બોર ઉપરથી પીવાનું પાણી ભરી લાવતી ગામની મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઇ હતી.દરમિયાન ગ્રામજનો દ્વારા એવા આક્ષેપો થવા લાગ્યા હતાં કે લોકો રોગચાળાના ભરડામાં ધકેલાય તેવી પ્રતિક્ષા ગ્રામ પંચાયત કરી રહ્યું છે કે શું. ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ બાબતે છેલ્લા પંદર દિવસથી તંત્રને રજૂઆતો કરી છે. તેમ છતાં ઈન્ચાર્જ સરપંચ અને તલાટીએ ગંભીર પ્રશ્નનો ઉપાય કરવાના બદલે મજુર નહીં મળતા હોવાનો ઉડાઉ જવાબ આપતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. જ્યારે ગામના વતની અને જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ સોનલબા ચાવડાએ જણાવ્યું હતું કે ગામના સરપંચ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને ઈન્ચાર્જ સરપંચ ઈશ્વરભાઈ ઠાકોરને પંદર દિવસથી રજૂઆતો થઇ રહી છે. આ બાબતે તલાટીને જાણ કરતા તેઓ થઇ જશે, કામ કરાવી દઇશુ. તેવા ઉડાઉ જવાબ આપી વાતને ટાળી રહ્યાં છે. આવી ગંભીર બાબત માટે દરકાર લઇ કોઇ પ્રયાસ નહીં કરતા વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલ સામે પણ ગામમાં અસંતોષ પ્રવર્તે છે. પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી ગ્રામજનોની વહારે આવ્યા. બિલોદરાના ગ્રામજનો મહિનાથી દૂષત પાણીનો પ્રશ્ન વેઠી રહ્યાં હોવાની જાણ થતાં માણસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી અમિત ચૌધરી માણસા તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા વિભાગની ટીમને સાથે લઇ ગુરૂવારે બિલોદરામાં આવી પહોંચ્યા હતાં. તેમણે ગ્રામજનોની ફરિયાદ સાંભળી દૂષિત પાણીના સેમ્પલ લેવડાવ્યા હતાં અને વર્ષો જૂની પાણીની લાઇન તાકિદે બલદવાની કામગારી શરૂ કરાવવા ટીડીઓને સૂચના આપી હતી. તે ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગને એલર્ટ રહેવા પણ તાકિદ કરી હતી.

Download Our B K News Today App



Related News