ગુજરાતને મોટી રાહત: માત્ર AIIMSમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં, 7 લાખની જગ્યાએ 25 હજારનો ખર્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 12:19:04
  • Views : 237
  • Modified Date : 2022-06-01 12:19:04

ગુજરાતને મોટી રાહત: માત્ર AIIMSમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં, 7 લાખની જગ્યાએ 25 હજારનો ખર્ચ

 

વડોદરાની SSG હોસ્પિટલમાં વધુ એક નવું આયામ ઉમેરાયું છે. સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને CLAA દ્વારા સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મળી ગયું છે. આથી વડોદરાની SSG હોસ્પિટલ સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મેળવનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઇ છે. એટલે કે અત્યાર સુધી માત્ર એઇમ્સમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં પણ થશે. આ સુવિધાના કારણે હવેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં 7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25 હજારમાં થઇ જશે.

હવે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના સરળ બનશે

આ અંગે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, 'સેન્ટ્રલ લાયસન્સ એપ્રુવિંગ ઓથોરિટી દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર માટે સ્ટેમ સેલ હારવેસ્ટિંગની નવી અને અગત્યની સુવિધાને મંજૂરી અંગેની રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરવામાં આવી છે. તેની અંતર્ગત બે નવી બ્લડ પ્રોડક્ટ માટે જરૂરી પરવાનગી હાલના પ્રવર્તમાન પરવાનામાં ઉમેરવામાં આવી છે. આ પરવાનગીની ખાસ અગત્યતા એટલા માટે છે કારણ કે તેના કારણે હવેથી સયાજી હોસ્પિટલમાં અદ્યતન સારવાર પ્રવાહો પ્રમાણેના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપનાનો માર્ગ આસાન થઇ ગયો છે.

 

સ્ટેમ સેલ હારવેસ્ટિંગની પરવાનગી મેળવનાર દેશની પ્રથમ હોસ્પિટલ

તેઓએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પ્રથમ વાર સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને આ સુવિધાની મંજૂરી મળી છે. ડો. રંજન કૃષ્ણ ઐયરે પ્રમાણભૂત કાર્ય પદ્ધતિ અનુસરીને ઉમદા કામગીરી દ્વારા આ પરવાનગી મેળવવાની સિદ્ધિ માટે બ્લડ સેન્ટરના ટીમ લીડર અને સહ પ્રાધ્યાપક ડો. ફરઝાના કોઠારી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં છે.

મળતી વિગતો અનુસાર સી.એલ.એ.એ. દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને એફેરેસિસ પ્રોસિજર દ્વારા બ્લડ કંપોનંટ્સ (રક્ત ઘટકો) ના ક્ષેત્રમાં બે નવી પ્રોડક્ટ્સની મંજૂરી આપવામાં આવી છે. જેમાં એફેરેસીસ દ્વારા ગ્રેન્યુલોસાઇટ અને પેરીફેરલ બ્લડ સ્ટેમસેલ્સ બનાવવાની મંજૂરી અપાઇ છે. હાલના પરવાના હેઠળ બ્લડ સેન્ટરને જેની પરવાનગી મળી છે એ પ્રોડક્ટ્સમાં આ બે નવી પ્રોડક્ટ્સની પરવાનગી ઉમેરવામાં આવી છે.

હોસ્પિટલના આઇ.એચ.બી.ટી. વિભાગે એક નવી પહેલરૂપે 3 દર્દીઓની સેલ ટ્રિટમેન્ટ પણ કરી

વિશેષમાં જણાવીએ કે, સયાજી હોસ્પિટલના આઇ.એચ.બી.ટી. વિભાગે એક નવી પહેલરૂપે 3 દર્દીઓની સેલ ટ્રિટમેન્ટ કરી છે. કેન્સર પીડિત દર્દીઓની સારવારમાં અદ્યતન ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો પ્રયોગ ઉપયોગી બન્યો છે. ખાનગી કોર્પોરેટ હોસ્પિટલોમાં આ સારવાર માટે દર્દીદીઠ રૂ. 4થી 7 લાખનો ખર્ચ કરવો પડે છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં માત્ર 30 હજાર જેટલા નજીવા ખર્ચમાં આ સારવાર થઈ છે. તમામ દર્દીઓની હાલતમાં હાલ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, નવી દિલ્હી સિવાય સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમવાર આવી સારવાર થઈ છે.

 

 

Download Our B K News Today App



Related News