પાટીલની ચિમકી પછી પણ પાલિકામાં ભાજપની શિસ્તના લિરા ડીસાપાલિકામાં બોર્ડની બેઠક ઉગ્ર ઃ ભાજપ દ્વારા જ હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 12:11:48
  • Views : 1071
  • Modified Date : 2020-09-05 12:11:48

ડીસા નગરપાલિકામાં હંમેશા શાસક પક્ષ જ વિપક્ષની ભૂમિકામાં હોય છે. તેઓ સાધારણ સભા હોય કે કારોબારી સભા હોય તેમાં સ્પષ્ટ ફલિત થાય છે. શુક્રવારે પણ ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં શાસક પક્ષના નેતાઓએ પ્રમુખનો વિરોધ કરી તેમને ગત સાધારણ સભામાં કરેલા કામોને બહાલી આપવા બાબતે સદસ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના ચાર સદસ્યોનું કહેવું હતું કે ગત સાધારણ સભામાં જે કામોને બહાલી આપવામાં આવી હતી, તે કામો હજુ પણ થયા નથી. જેના કારણે તેમના વિસ્તારના નાગરિકો તેમની સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં શુક્રવારે
પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં હોવાથી સાધારણ સભા ઉગ્ર બની હતી. જ્યારે વિપક્ષનું પણ માનવું છે કે, ભાજપ શાસિત ડીસા
નગરપાલિકાના બોર્ડમાં ભાજપના સભ્યો વિકાસની વાતો કરવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે. જયારે શહેરને આગવી ઓળખ માટે પાલિકાને મળેલી ગ્રાન્ટમાંથી સ્લમ વિસ્તારમાં વિકાસ કામગીરી કરવાની કાર્યવાહીને લઇને પણ વિપક્ષના સદસ્યોએ ગ્રાન્ટની કામગીરી માટે જે રકમ મંજૂર થઈ છે, તે ઘણી ઓછી પડે તેમ છે. તેના માટે શહેરને વધુ ગ્રાન્ટ મળે તેવી માગણી પાલિકાના સત્તાધીશોએ સરકાર સમક્ષ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. જોકે પાલિકામાં ભાજપના સદસ્યો જ આમને-સામને આવી જતા ઉગ્ર બોલાચાલીથી પાલિકા ખંડમાં ગરમાગરમી પ્રસરી ગઇ હતી. જ્યારે આ સમગ્ર મામલે
વિપક્ષને કઈજ કરવાની જરૂર
પડી ન હતી. કારણ કે એક જ
પક્ષના સદસ્યો પક્ષના જ સત્તાધીશો સામે લાલઘૂમ થયેલા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલાને લઈને ભાજપ પક્ષમાં ટૂંક સમયમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત થનાર છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ભલે પક્ષમાં જૂથવાદ કરનાર લોકોને સાંખી લેવામાં નહીં આવે તેવી ચિમકી આપતા હોય છે. પરંતુ ડીસા નગરપાલિકામાં ભાજપના જ સદસ્યો ભાજપ વિરુદ્ધમાં ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ સદસ્યો સામે શિસ્ત ગણાતી ભાજપ પક્ષ કોઈ કાર્યવાહી કરશે કે કેમ..?

શહેરની આગવી ઓળખ માટે નવી જગ્યા માગો
શહેરમાં નવું અંતિમ ધામ બની રહ્યુ છે, તે સારી બાબત છે. પરંતુ ત્યાં તળાવ, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલના બનાવી શકાય. આ
બ્યુટીફીકેશનની વાત છે. શહેરની આગવી ઓળખ માટે નવી જગ્યા માગીને ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને બગીચો બનાવવો જોઈએ. જ્યારે શહેર માટે પાંચ નહી પણ ૨૫ કરોડ પણ ઓછા પડે.
- વિપુલ શાહ (વિપક્ષ નેતા, ડીસા પાલિકા)

રાજીવ આવાસ રીપેર કરી નિઃશુલ્ક આપીશું
આજનું બોર્ડ વિકાસના કામો માટેનું હતું. જ્યારે રાજીવ આવાસ યોજનામાં બનેલા મકાનોમાં ચોમાસામાં પાણી ટપકતું હતું. જેથી કોઈ ત્યાં રહેવા આવતું ન હતું. અમે તેને રીપેરીંગ કરીને નિઃશુલ્ક આપીશું. જ્યારે વિકાસના કામો જેમનાથી સહન થતા નથી તેમના વિરુદ્ધ અમે પક્ષમાં રજૂઆત કરીશું.
- શિલ્પાબેન માળી (પ્રમુખ, ડીસા પાલિકા)

સંગઠનમાં જાણ કરાશે
આ સાધારણ સભામાં ભાજપના સદસ્યોએ જે પ્રકારે પક્ષની કામગીરીનો વિરોધ કર્યો છે. તે મામલે ભાજપના સંગઠનને જાણ કરવામાં આવશે. તેમજ તેમની સામે દંડાત્મક કાર્યવાહી થાય તે માટે રજૂઆત થશે.
-શશીકાંત પંડયા (ધારાસભ્ય, ડીસા)

Download Our B K News Today App



Related News