આજથી દેશનાં ઘણાં રાજ્ય-શહેરોમાં વીકેન્ડ લોકડાઉન, મુંબઈનાં સ્ટેશન પર ટિકિટોનું વેચાણ બંધ, બજારોમાં ખરીદી કરવા લોકોનું ઘોડાપૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 13:37:33
  • Views : 269
  • Modified Date : 2021-04-09 13:37:33

    કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે વધતા જતા કેસો પર અંકુશ મૂકવા માટે દેશમાં ઘણાં બધાં શહેરોની અંદર આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરાઈ રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દુકાનો પર સામાનની ખરીદી કરવા માટે મોટી માત્રમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.

    કોરોનાનું સંકટ ફરીથી દેશમાં પોતાનો સકંજો કસી રહ્યું છે, જેને પગલે સંક્રમણને રોકવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે. ભારતનાં ઘણાં રાજ્યો અને શહેરોમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરી દેવાયો છે. તો કેટલીક જગ્યાએ આજથી વીકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા જઈ રહી છે. આખા મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે, જે આખા એપ્રિલ સુધી યથાવત રહેશે, જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે અને પુણે જેવાં શહેરોમાં કોરોનાવાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેથી અહીં સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકેન્ડ લોકડાઉનની આવશ્યકતા પણ રહેલી છે.


    મુંબઈમાં વીકેન્ડ લોકડાઉનની શરૂઆતના થોડાક સમય પહેલાં જ બજારમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. દાદરના શાક માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા.મધ્યપ્રદેશનાં તમામ શહેરોમાં હવે વીકેન્ડ લોકડાઉન લાદવામાં આવશે, એટલે કે ભોપાલ, ઈન્દોર, છિંદવાડ. ગ્વાલિયર, જબલપુર સહિત દરેક શહેરમાં લોકડાઉન રહેશે. આ પ્રતિબંધ શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન માત્ર જરૂરી કાર્ય કરવા અર્થે લોકોને બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે.

    મધ્યપ્રદેશના છિંદવાડામાં તો 8 એપ્રિલથી 7 દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. કોલારમાં 9 એપ્રિલથી 9 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને શાજાપુરમાં આજથી 2 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી બધુ બંધ રહેશે.છત્તીસગઢના દુર્ગમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. ત્યાં 6થી 14 એપ્રિલ સુધી તમામ જગ્યાઓ બંધ રહેશે.તમને જાણાવી દઈએ કે દેશનાં કેટલાંક રાજ્યોમાં માત્ર ગણતરીના જિલ્લાઓ અને પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરાયું છે, પરંતુ મહારાષ્ટ્રના દરેક પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે, જે શુક્રવારે સાંજે 6થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

    ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જે પ્રમાણે કડક લોકડાઉનનો અમલ કરાવાયો હતો એ રીતે. આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા પર પ્રતિબંધ અને શાકભાજીના વેચાણ અર્થે પણ પરવાનગી લીધેલી દુકાનોને જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો માત્ર હોમ-ડિલિવરીની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈને ખાઈ પણ નહીં શકે અને પેક પણ નહીં કરાવી શકે.

    મુંબઈમાં કોરોના કહેરને પગલે પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુંબઈનાં કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, CSMT અને LTT રેલ્વે સ્ટેશન   પર હવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનનો આભાસ થતાં લોકોની ભીડ સ્ટેશન પર આવતી રહેતી હતી. LTT સ્ટેશનમાં તો વતન તરફ પ્રયાણ કરતા મજૂરોની એટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટી આવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી, તેથી ટિકિટોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉનના સંકટને કારણે પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News