બાવળિયાએ કહ્યું, અજીત પટેલે ભૂલ સ્વીકારી; સામે જવાબ મળ્યો ખોટું બોલે છે, કોઈ સમાધાન નથી થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 14:32:50
  • Views : 273
  • Modified Date : 2022-05-17 14:32:50

 

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરાયા બાદ કોળી સમાજમાં મોટો જૂથવાદ સર્જાયો છે. ત્યારે રાજકોટમાં કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોળી સમાજના આગેવાનો સાથે સમાધાન થઈ ગયું છે. મારા હિત શત્રુઓ આ કરાવી રહ્યાં છે. મારી અજીત પટેલ સાથે વાત થઈ ગઇ છે. અજીત પટેલે તેમની ભૂલ સ્વીકારી છે. અજીત પટેલે કહ્યું છે કે તમને હટાવાની સત્તા મારી નથી. કોળી સમાજ પ્રમુખ પદેથી હટાવાને લઈને અમારું સમાધાન થઇ ગયું છે. જે મામલો કોર્ટમાં છે તે યથાસ્થિતિ રહેશે.

અમારે કોઈ સમાધાન કે કોઈ વાત થઈ નથી: અજિત પટેલ

જો કે, અખિલ ભારતીય કોળી સમાજ વિવાદ મામલે કુંવરજી બાવળિયાના નિવેદન પર અજિત પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, 'કુંવરજી બાવળીયા ખોટી વાત કરી રહ્યાં છે. અમારે કોઈ સમાધાન કે કોઈ વાત થઈ નથી.'

 

બાવળિયાને ગેરબંધારણીય રીતે પ્રમુખ પદેથી દૂર કરાયા: ચંદ્રવદન પીઠાવાલા

ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી બાવળિયાને હટાવવા મામલે વિવાદ વધુ વકર્યો છે. જેમાં નવા પ્રમુખ અજીત પટેલ અને કુંવરજી બાવળિયાના સમર્થકો આમને-સામને આવી ગયા છે. જેમાં કુંવરજી બાવળિયાના સમર્થનમાં ચંદ્રવદન પીઠાવાલાએ અજીત પટેલ પર આરોપ લગાવ્યો છે કે, 'બાવળિયાને ગેરબંધારણીય રીતે પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ઓછા લોકોની હાજરીમાં નિર્ણય લેવાયો.'

કુંવરજીએ અખિલ ભારતીય કોળી પટેલ સમાજ વિરુદ્ધ કામ કર્યું: અજીત પટેલ

બીજી બાજુ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે નિવેદન આપ્યું હતું કે, 'કુંવરજી બાવળીયા પોતાની રીતે પ્રમુખ બની બેઠા છે. સમાજના સંમેલનમાં કુંવરજીએ કોઈ જવાબદારી ન લીધી. કુંવરજીએ અખિલ ભારતીય કોળી પટેલ સમાજ વિરુદ્ધ કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ ઋત્વિક મકવાણાને પણ સંમેલનમાં આવતા અટકાવ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાંથી પણ લોકોને સંમેલનમાં આવતા અટકાવ્યા છે. કુંવરજીએ બે શરતોનું પાલન ન કર્યું. બંધ કારાવેલું બેન્ક એકાઉન્ટ પણ ન ખોલ્યું અને કેસ પણ પરત ન લીધા.'

 

જાણો શું છે બાવળિયા અને કોળી સમાજનો વિવાદ?

બાવળિયા અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હતા

અજમેરમાં મળેલી કોળી સમાજની બેઠકમાં થયો હતો વિવાદ

અજમેરની બેઠકમાં બાવળિયાને પ્રમુખ પદેથી હટાવાયા હતા

કુંવરજી બાવળિયા પોતે પ્રમુખ હોવાનો દાવો કરતા હતા

વર્તમાન પ્રમુખ અજીત પટેલ અને બાવળિયા વચ્ચે ચાલતો હતો વિવાદ

છેલ્લાં કેટલાંક સમયથી અજીત પટેલ, બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે વિવાદ ચાલતો હતો

અખિલ ભારતીય કોળી સમાજની સુરત બેઠક મુદ્દે પણ વિવાદ થયો હતો

બાવળિયાના સમર્થકોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો

ગઇ કાલે બાવળિયા મીડિયા સમક્ષ બાવળિયા સંમેલન વિશે બોલ્યા હતા

અંતે અખિલ ભારતીય કોળી સમાજે  કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કર્યા

 

Download Our B K News Today App



Related News