બનાસકાંઠા જિલ્લા કલેકટરે રખડતા પશુઓ પકડવા આદેશ તો કર્યો પરંતુ પાલન થશે ખરાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 14:38:06
  • Views : 502
  • Modified Date : 2019-08-24 14:38:06

પાલનપુરબનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરો તેમજ નેશનલ હાઇવે ઉપર અડીંગો જમાવી બેસી રહેતા આ પશુઓના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. આ અંગે વારંવાર અખબારી અહેવાલો પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટરે આ અંગે ગંભીર નોંધ લીધી છે અને રખડતા પશુઓ પકડવા માટે ઝુંબેશ હાથ ધરવા તંત્રના અધિકારીઓને આદેશ કર્યો છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે, અધિકારીઓ દ્વારા આદેશનું અક્ષરસઃ પાલન થશે કે કેમ, કારણ કે અગાઉ પણ આવા અનેક આદેશો થયા છે. પરંતુ અધિકારીઓ તેને ધોળીને પી જતાં હોવાથી વર્તમાન સમયે રખડતા પશુઓનો ત્રાસ જૈસે થે જોવા મળી રહ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં ઢોર ખેતીના પાકોને નુકસાન કરી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં અડીંગો જમાવતાં પશુઓ અકસ્માત નોતરી રહ્યા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ રખડતા પશુઓ પકડવા માટે ઝુંબેશ હાથ ધરવા માટે આદેશ કર્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, આ ઝૂંબેશ શરૂ થશે કે કેમ, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરની વાત કરીએ તો અહીંયા સિમલાગેટ, કિર્તિસ્તંભ, દિલ્હીગેટ, મીરા દરવાજા, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, માલણ દરવાજા, ગઠામણ દરવાજા, કોઝી તેમજ હાઇવે ઉપર રખડતાં પશુઓનો અડીંગો ચોવીસ કલાક જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં રખડતી ગાયોના શિંગડાથી પાંચ જેટલા વ્યકિતઓના મોત પણ નિપજી ચૂક્યા છે. નગરપાલિકા અને વહિવટીતંત્ર દ્વારા અગાઉ રખડતી ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પણ તેમની દાદાગીરી સામે તંત્રએ પાછી પાની કરી છે. પરિણામે વર્તમાન સમયે રખડતા પશુઓ શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવી જ રીતે ડીસા શહેરમાં પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર રખડતા પશુઓથી જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેકટર દ્વારા કરાયેલા આદેશનું પાલન થાય અને રખડતા પશુઓની સમસ્યામાંથી કાયમી છુટકારો મળે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.



Download Our B K News Today App



Related News