સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કમિશનર પર પસ્તાળઃ પૂર્વ હોદ્દેદારનો ખુલાસો મેયર અને કમિશનરને ફાળવેલા બંગલામાં કોણ રહે છે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 10:42:40
  • Views : 392
  • Modified Date : 2020-02-20 10:42:40

રાજ્ય સરકારે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ફાળવેલા બંગલામાં અન્ય વ્યક્તિઓ વસવાટ કરતા હોવાના મામલે હોબાળો સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સભ્યોએ કમિશનરના બંગલામાં કોઈ અન્ય વ્યક્તિ કઈ રીતે રહી શકે તે અંગે વિરોધ નોંધાવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય અને પૂર્વ હોદ્દેદાર મનુભાઈ પટેલે આ અંગે ખુલાસો કરતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈયરમાર્ક થયેલા સરકારી મકાન કોઈ અન્ય વ્યક્તિને રહેવા માટે
 આપી શકાય નહીં. સેકટર-૧૯ ખાતે આવેલો એક બંગલો મ્યુનિ. કમિશનર માટે ઈયરમાર્ક થયેલો છે, પરંતુ આ બંગલામાં તેઓ રહેતા નથી. સ્ટેન્ડિંગ કમિટિમાં આ બાબતે ચર્ચા થઈ હતી. જેમાં કમિશનરે સ્વીકાર્યુ હતું કે તેમના બંગલામાં કોઈ અન્ય વ્યક્તિ રહે છે. પરંતુ કોણ રહે છે તે બાબતથી પોતે અજાણ હોવાનો દાવો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેયરને પણ સેકટર-૧૯માં બંગલો ફાળવવામાં આવ્યો છે. જો કે તેઓ આ બંગલામાં રહેતા નથી. ઈયર માર્ક થયેલા આ બંગલામાં સરકારી અધિકારીનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. અગાઉ ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીને બંગલો સોંપી દેવાની બાબતથી શાસક પક્ષના સભ્યોમાં પણ વિરોધ ફેલાયો છે. પાટનગરના બે અગ્રણીઓ દ્વારા સરકારમાંથી મળેલી સવલતો અન્ય વ્યક્તિને બારોબાર સોંપી દેવાની બાબત સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બની છે ત્યારે આ મામલે તપાસ હાથ ધરવા માટે પણ રજૂઆત થઈ છે. અગાઉ ટેન્ડર પ્રક્રિયામાં વ્હાલા-દવલાની નીતિના કારણે વિવાદમાં આવેલું મ્યુનિ. તંત્ર સરકારે ઈયરમાર્ક કરેલા બંગલાના મનસ્વી ઉપયોગ મામલે ફરી વિવાદમાં આવ્યું છે.  

Download Our B K News Today App



Related News