બનાસકાંઠાના ખેડૂતો માટે રાહત ના સમાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 18:29:01
  • Views : 1817
  • Modified Date : 2019-04-30 18:29:01

ગુજરાતમાં ગત ૧૬ એપ્રિલને મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની સાથે કરા સાથે વરસાદ પણ પડયો હતો. આ સ્થિતિમાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળતી માહિતી મુજબ રાજ્યમાં ચાર જિલ્લામાં કુલ ૨,૫૫૮ હેક્ટર અસરગ્રસ્ત થયો હતો. જેમાં ૧,૩૯૪ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ પાક નુકશાની થવા પામી હતી. આ કુદરતી આપદામાં ૨,૦૭૯ ખેડૂતો અસરગ્રસ્ત થવા પામ્યા છે. જેમાં તમાકું, તલ, શક્કરટેટી, તડબુચ, પપૈયા, કેરી, અને શાકભાજીને પારાવાર નુકશાન થયું હતું.સર્વે ટીમ દ્વારા હાથ ધરાયેલી સર્વે કામગીરી બાદ આવેલા રિપોર્ટ મુજબ રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં પાક નુકશાની વધુ થઇ છે. જેમાં સૌથી વધુ નુકશાન બનાસકાંઠા જિલ્લામાં ડીસા, અમીરગઢ અને દાંતીવાડા તાલુકામાં થયું હતું. જ્યાં ૩૩ ટકાથી વધુ પાક નુકશાની થઇ હોય તેવો વિસ્તાર ૬૨૯ હેક્ટર છે. ૧૧ ટીમો દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં બહાર આવેલી વિગતો મુજબ બનાસકાંઠામાં કરા પડવાથી શક્કરટેટી અને તરબુચના પાકને અતિભારે નુકશાની પહોંચી છે.સાબરકાંઠા જિલ્લામાં ૨૩૨ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ છે. તલ, ડુંગરી અને પપૈયાના પાકને ભારે નુકશાન થયું છે. રાજકોટના પડધરી તાલુકામાં વાવાઝોડામાં નુકશાન થયું છે. જ્યાંં ૪૮૭ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ પાક નુકશાની થવા પામી છે. જેમાં ઉનાળું તલ, શાકભાજી, ડુંગળી, લસણ અને ઘાસચારાને સવિશેષ નુકશાન થયું છે.ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં તમાકુના પાકને ભારે નુકશાન થયું છે. ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ હોય તેવો ૪૪ હેક્ટર વિસ્તાર છે.સર્વે ટીમ દ્વારા રાજ્યમાં કુલ ૨,૫૫૮ હેક્ટરમાં સર્વે કરાયો હતો. જેમાંથી ૧,૩૯૪ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુની પાક નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું છે. નોંધપાત્ર છેકે ૩૩ ટકાથી વધુની પાક નુકશાનીના કિસ્સામાં જ સરકારી વળતર અપાતું હોય છે. ખેડૂતને પિયત પાકમાં હેક્ટરદીઠ ખેતીપાકમાં ૧૩,૫૦૦ રૂપિયા અને બાગાયતીપાકોમાં હેક્ટરદીઠ ૧૮,૦૦૦ ની સહાય અપાતી હોય છે.જેમાં પણ મહત્તમ ૨ હેક્ટર સુધીની જ સહાય અપાતી હોય છે. તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડામાં ૨,૦૭૯ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. જેઓને અંદાજે ૧.૮૮ કરોડની સહાય પાક નુકશાની પેટે ચૂકવવામાં આવશે.

Download Our B K News Today App



Related News