બનાસકાંઠા જિલ્લામાં ૬૪.૭૨ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 05:29:38
  • Views : 502
  • Modified Date : 2019-04-24 05:29:38

બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે મંગળવારે શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. વહેલી સવારે શરૂ થયેલા મતદાન દરમિયાન
બપોર સુધીમાં મતદાન ધીમી ગતીએ ચાલ્યું હતુ. જોકે, સવારના સમયે મહત્તમ વૃધ્ધ અને વિકલાંગ મતદારોએ
પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે મોટાભાગના મતદાન મથકો સુમસામ બન્યા હતા. જ્યારે બાકી રહેલા મતદારોએ સાંજના સુમારે મતદાન કર્યુ હતુ. જ્યાં સાંજ સુધીમાં કુલ ૬૪.૭૨ ટકા મતદાન નોંધાયું હતુ. દરમિયાન જિલ્લામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર મંગળવારે ૨૦૧૨ બુથો ઉપર સવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે ઠંડા
પહોરમાં વૃધ્ધ અને વિકલાંગ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમના માટે જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા વ્હિલચેર, વાહનો સહિતની સુવિધા
ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે, બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ વાગ્યાના સમયગાળામાં શહેરો તેમજ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં ઓટ જણાઇ હતી. મોટાભાગના ચૂંટણી બુથો સુમસામ જણાયા હતા. જોકે, સાંજના સુમારે બાકી રહેલા મતદારો પુનઃ ઘરેથી નીકળી
પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યાં  મતદાનનો સમય પૂર્ણ થયો ત્યાં સુધી જિલ્લાનું કુલ મતદાન ૬૪.૭૨ ટકા નોંધાયું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં મતદારોની કુલ સંખ્યા  ૨૨,૨૯,૬૦૧ છે. જેમાં પુરૂષ-૧૧,૬૫,૮૫૭ અને સ્ત્રી -૧૦,૬૩,૭૩૪ છે. મતદાન પ્રક્રિયા માટે કુલ ૧૧,૭૨૫ પોલીંગ સ્ટાફે મતદાન મથકે ફરજ બજાવી હતી. જેમાં ૨૮૨૬ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૨૬ પોલીંગ ઓફિસર-૧ ૨૮૨૬
પોલીંગ ઓફિસર-૨,  ૩૨૦૨ મહિલા પોલીંગ સ્ટાફનો સમાવેશ થાય છે. સખી મતદાન મથકો-૪૫ તથા પોલીંગ સ્ટાફ ૨૭૦ હતો. દિવ્યાંગ સંચાલીત મતદાન મથકો-૯ તથા દિવ્યાંગ સ્ટાફ ૪૫ હતો. પોલીંગ સ્ટાફને મતદાન મથકે લાવવા લઇ જવા માટે કુલ ૩૦૩ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા માટે પુરતી સંખ્યામાં
પોલીસ અને સુરક્ષા દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મતદારોની જાગૃતિ વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સુચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત જિલ્લાભરમાં મતદાતા જાગૃતિ માટે સંખ્યાબંધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૩૧,૧૨૫ મતદારો ચૂંટણીમાં મતદાન જરૂર કરે તે માટે કલેકટર દ્વારા આ મતદારોને નામજોગ પત્ર લખી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.     

Download Our B K News Today App



Related News