પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળા બાદ સર્વાનુમત્તે સુધારા સાથેનું બજેટ મંજૂર કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 11:50:42
  • Views : 468
  • Modified Date : 2019-08-23 11:50:42

પાટણ જિલ્લા પંચાયત ખાતે ગુરૂવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં સુધારેલ બજેટ રજૂ કરવામાં આવતા  સભાની બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિકાસ કમિશનર કચેરીમાં બજેટનોની અરજી પેન્ડિંગ છે. ત્યારે આજની સભા કયા નિયમોને અંતર્ગત બોલાવવામાં આવી તે મુદ્દાને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. અંતે શાસક અને વિપક્ષ સાથે મળી જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૯/૨૦  નું રૂપિયા ૨૩૭. ૮૬ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ વિપક્ષે ગત બજેટમાં સૂચવેલા સુધારાઓ પણ નવીન બજેટમાં કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લા પંચાયતની ૬ માર્ચ ૨૦૧૯  ના રોજ મળેલી સામાન્ય સભાની બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ બજેટમાં ખેતી પશુપાલન ક્ષેત્રે કરવામાં આવેલી જોગવાઇઓ ખુબ જ ઓછી હોવાની રજૂઆત કરી વિપક્ષ કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી બહુમતીના જોરે બજેટ નામંજૂર  કર્યુ હતુ. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બજેટ નામંજૂર થયુ હોવા અંગે વિકાસ કમિશનર રીપોર્ટ કરતા વિકાસ કમિશનર દ્વારા બજેટ નામંજૂર કરવા મામલે જિલ્લા
પંચાયતને સુપરસીડ કેમ ન કરવી તે બાબતે ખુલાસો કરવા તમામ સભ્યોને નોટિસ આપી હતી. ત્યારબાદ ૧૦ જુન ૨૦૧૯ ના રોજ ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા બજેટમાં ખેતી-પશુપાલન ક્ષેત્રોમાં યોગ્ય રકમની ફાળવણી કરવા અને વિકાસ કમિશનર સમક્ષ તમામ સભ્યો રૂબરૂ મળી આ બાબતે રજૂઆત કરવાનો સર્વાનુમત્તે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી.
ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ દ્વારા પંચાયત ધારાની કલમ ૧૪૪ મુજબ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ સુધારા સાથે રજૂ કરવા માટે ગુરુવારના રોજ ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં  જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ  દ્વારા સભાની કાર્યવાહી  શરૂ કરવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્ય  પ્રવિણભાઇ રાઠોડે જણાવ્યું હતું કે બજેટ અંગે અમને કોઈ વિરોધ નથી. પરંતુ વિકાસ કમિશનર કચેરીમાં જિલ્લા પંચાયતના બજેટની મેટર પેન્ડિન છે. ત્યારે કયા નિયમના આધારે પ્રમુખ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે બંને ધારાસભ્યોએ પણ આ બાબતનો ખુલાસો કરવા જિલ્લા વિકાસ અધિકારી  ડી.કે. પારેખને જણાવ્યું હતું. જે અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્પષ્ટતા કરી હતી કે વિકાસ કમિશનર કચેરી તરફથી બજેટ બેઠક ન બોલાવવા અંગે કોઈ રોક લગાવવામાં આવી નથી. જેથી પ્રમુખ કલમ ૧૪૪ અંતર્ગત ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવી શકે છે અને તે નિયમ અનુસાર આ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વિપક્ષના સભ્યો દ્વારા આ બેઠક નિયમ વિરુદ્ધ બોલાવવામાં આવી હોવાના ઠરાવ સાથે જિલ્લા પંચાયતના વાર્ષિક બજેટ મંજૂર કરવામાં સહમતી દર્શાવી હતી. શાસક વિપક્ષના સભ્યોએ સર્વાનુમત્તે વર્ષ ૨૦૧૯/૨૦ નું સુધારા સાથેનું બજેટ મંજૂર કર્યુ હતુ.


Download Our B K News Today App



Related News