લાંબી ખેંચતાણ બાદ મોડી રાત્રે ભાજપે છ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 13:28:17
  • Views : 555
  • Modified Date : 2019-09-30 13:29:05

ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે મોડી રાતે ઉેમેદવારોની ઘોષણા કરી હતી. પ્રથમ નોરતે બપોર સુધીમાં ઉમેદવારની યાદી જાહેર કરવાની ગણતરી હતી પણ અમરાઇવાડી,ખેરાલુ અને થરાદમાં જ્ઞાતિવાદના સમીકરણને કારણે બેઠકોના ઉમેદવારની પસંદગી મુદ્દે છેલ્લી ઘડી સુધીની ખેંચતાણ જામતા બધુય અટકી પડયુ હતું. આખરે મોડીરાત્રે ભાજપે છ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

આ વખતે પેટાચૂંટણી લડવા દાવેદારોની ૪૦થી વધુ  સંખ્યા હોવાથી ભાજપની પ્રદેશની નેતાગીરી ય ચોંકી ઉઠી હતી. અમરાઇવાડી બેઠક ભાજપની સલામત બેઠક પૈકીની એક છે એટલે ટિકિટ મેળવવા જાણે પડાપડી જામી હતી.આ બેઠક પર દિનેશ કુશવાહ,ઋત્વિજ પટેલ,પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલનુ નામ ટોપ પર ચર્ચામાં હતુ પણ આ બધાયનુ પત્તુ કપાયુ હતું. આખરે અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

તો ખેરાલુમાં રમિલા દેસાઇએ ટિકિટ માટે ઘણાં જ ધમપછાડા કર્યા પણ મેળ પડયો ન હતો.આ બેઠક પર સાંસદ ભરતસિંહ ડાભીએ ભાઇ રામસિંહ માટે ટિકીટ માંગી હતી. આખરે હાઇકમાન્ડે આ વાતને કોરાણે મૂકીને ખેરાલુ બેઠક પર ઓબીસી કાર્ડ ખેલવાનુ નક્કી કર્યુ હતું. આખરે ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોરનું નામ જાહેર થયું છે. લુણાવાડામાં  જીજ્ઞેશ સેવક બાજી મારી ગયા હતા.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવો કરી જે રાજકીય સોદો થયો હતો તે મુજબ ભાજપે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે. થરાદમાં સાંસદ પરબત પટેલે છેલ્લી ઘડી સુધી પુત્ર શૈલેષ પટેલને ટિકિટ મળે તે માટે પ્રયાસો કર્યા હતાં. હાઇકમાન્ડે શૈલેષ પટેલનુ પત્તુ કાપ્યુ હતું અને જીવરાજ પટેલને ટિકિટ આપી હતી.

છ બેઠકો પરની પેટાચૂંટણીની ટિકિટ માટે ભાજપમાં ભારે ખેંચતાણ થઇ હતી. અને છેલ્લે હાઇ કમાન્ડ દ્વારા નવા જ નામ જાહેર કરવામાં આવ્યા હતા. સંભવિત ઉમેદવારોમાંથી માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને જ ટિકિટ મળી છે. ટિકિટ માટે ખેંચતાણ કરી રહેલા બાકીના લોકોનું પત્તું કપાયું છે.

છ બેઠકો પર ભાજપે જાહેર કરેલા નામો

બેઠક  ઉમેદવાર

બાયડ  ધવલસિંહ ઝાલા

રાધનપુર અલ્પેશ ઠાકોર

અમરાઇવાડી  જગદીશ પટેલ

ખેરાલુ અજમલ ઠાકોર

થરાદ  જીવરાજ પટેલ

લુણાવાડા  જીજ્ઞેશ સેવક

જીલ્લા-શહેર પ્રમુખને અગાઉથી મેન્ડેટ મોકલી દેવાયાં

આ વખતે ભાજપને પેટાચૂંટણીના ઉમેદવાર પસંદ કરતાં નાકે દમ આવ્યો હતો. કેમકે,થરાદ,અમરાઇવાડી અને ખેરાલુ બેઠક પર પરિવારવાદને કારણે ઉમેદવારની પસંદગી કરતા નેતાઓએ ઘણી જ મથામણ કરવાનો વારો આવ્યો હતો. આ તરફ,દાવેદારોએ પણ છેલ્લી ઘડી સુધી ટિકીટ મેળવવા એડીચોટીનુ જોર લગાવ્યુ હતું. આ બધીય માથાકુટ વચ્ચે પ્રદેશ નેતાગીરીએ જીલ્લા-શહેર પ્રમુખોને અગાઉથી જ મેન્ડેટ મોકલી દેવાયાં હતાં. જે ઉમેદવારની મોડી રાત્રે પસંદગી થાય એટલે સવારે મેન્ટેડ મેળવીને ફોર્મ ભરી દેવા કમલમથી સુચના જારી કરી દેવાઇ હતી. ઉમેદવારોના મુદ્દે સર્વસંમતિ ન સધાતાં આવુ કરવા મજબુર થવુ પડયુ હતું. 

ઉમેદવારો જાહેર થાય તે પહેલાં નરેન્દ્ર મોદી-અમિત શાહ વચ્ચે બેઠક થઇ

પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં ઉમેદવારોના મુદ્દે ચર્ચા થઇ હતી. રાધનપુર અને બાયડમાં તો કોંગ્રેસના બળવાખોરોને ટિકિટ આપવાનુ નક્કી થયુ હતુ પણ ખેરાલુ,થરાદ અને અમરાઇવાડીમાં ટિકિટ આપવાના મામલે ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત બીજા નોરતે અમિત શાહનુ અમદાવાદ આગમન રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.તેઓ પેટાચૂંટણી માટે પ્રદેશ નેતાગીરીને માર્ગદર્શન પણ આપશે. વડાપ્રધાન મોદી-અમિત શાહની લીલીઝંડી બાદ ઉમેદવારોની યાદીને આખરી મહોર મારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News