ભાઈજીપુરા પાટિયા નજીક અકસ્માત બાઈકચાલકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:36:39
  • Views : 398
  • Modified Date : 2020-02-27 11:36:39

જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત ભાઈજીપુરા પાટિયા નજીક વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. એસટી બસની ટક્કરથી રાયસણના બાઈકચાલક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સ્થળ પર અઠવાડિયામાં સરેરાશ બે જીવલેણ અકસ્માત સર્જાતા હોવાના કારણે રહીશો લાંબા સમયથી બમ્પ મૂકવા માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા રજૂઆત કાને ધરવામાં આવતી નથી.
પીડીપીયુ રોડ પર ગણેશ-૩ બંગલોઝમાં રહેતા જનકકુમાર
જયપ્રકાશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ મૌલિનભાઈ અમદાવાદ જવા માટે સવારે આઠ કલાકે બાઈક લઈને નીકળ્યા હતા. પોતાના માતાને ભાઈજીપુરા પાટિયાથી બસમાં બેસાડીને તેઓ અમદાવાદ જવાના હતા. પરંતુ થોડી વાર બાદ કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.  તેણે જણાવ્યું હતું કે, મૌલિનભાઈના બાઈક નં-જીજે ૧૮ એજે ૧૭૧૨ને જીજે ૧૮ વાય ૯૨૩૯ નંબરની એસટી બસના ચાલકે ટક્કર મારી છે.  ભાઈજીપુરાથી કોબા તરફના મેઈન રોડ પર પચાસેક ફૂટ દૂર અકસ્માત સર્જાયો હોવાની જાણ થતાં જનકભાઈ પોતાના સગાઓને જાણ કરીને સ્થળ પર દોડી ગયા હતા. તેમણે જોયું તો બાઈક રોડ પર પડેલું હતું અને દસેક ફૂટ દૂર સરકારી બસ પડી હતી. મૌલિનભાઈનું માથુ ફાટી ગયુ હતુ અને શરીરે ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમનુ સ્થળ પર જ મોત થઈ ગયુ હતુ. આ અંગે જનકભાઈએ બસના ચાલક સામે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
માણસા ગંજબજારમાં પેઢી ધરાવતા અને મૂળે રીદ્રોલના પરિવારમાં આશાસ્પદ યુવકનું મોત થતાં ભાઈજીપુરા પાટિયા નજીકના રોડ પરથી અકસ્માતનો અભિશાપ દૂર કરવાની માંગણી પ્રબળ બની છે. ગાંધીનગરતી અમદાવાદ તરફ જતાં વાહનો આ રોડ પર પૂર ઝડપે પસાર થતાં હોય છે અને બીજી બાજુ સ્થાનિક રહીશોએ પણ અવર-જવર માટે હાઈવે ઓળંગવો પડે છે. જેના કારણે અઠવાડિયે સરેરાશ બે વખત અકસ્માત સર્જાય છે. અકસ્માતો નિવારવા માટે ભાઈજીપુરા પાટિયા વિસ્તારમાં રોડ પર બમ્પ બનાવવા માટે રહીશોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી.

Download Our B K News Today App



Related News