બીડી વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રૂ.75 લાખનું દાન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 13:26:54
  • Views : 372
  • Modified Date : 2019-12-30 13:26:54

પાટણ શહેરની બી.ડી સાર્વજનિક વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાને રૂ.75 લાખનું દાન આપી ઋણ અદા કર્યું છે. દાનની આ રકમના વ્યાજમાંથી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિકાસ કરાશે અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સિદ્ધિ હાંસલ કરવા માટે શાળા મદદરૂપ થશે.પાટણ શહેરમાં વર્ષ 1945માં શ્રી પાટણ જૈન મંડળ દ્વારા 270 વિદ્યાર્થીઓથી બી.ડી સાર્વજનિક વિદ્યાલયનો પ્રારંભ કર્યો હતો. હાલમાં આ શૈક્ષણિક સંસ્થાએ બાલમંદિરથી કોલેજ સુધી શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ કર્યો છે. જેમાં 2500 જેટલા છાત્રો શિક્ષણ મેળવી રહ્યા છે. 75 વર્ષની સફરમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓએ આ સંસ્થામાંથી શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. આ સંસ્થામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન ચાલે છે. શાળાને 75 વર્ષ પૂર્ણ થતાં તાજેતરમાં અમૃત મહોત્સવ પ્રસંગે મુંબઈ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓએ માત્ર દોઢ કલાકમાં રૂ.75 લાખનું માતબર દાન આ શાળાને અદા કરી ઋણમુક્ત બન્યા હતા.આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ટેનિસમાં સિદ્ધિ હાંસલ કરેલ ટેનિસ પ્લેયર મેઘ પટેલ, ટેનિસમાં નેશનલ કક્ષાએ કેપ્ટન રહી ચૂકેલી પ્રાપ્તિ સોની, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી ક્રિસ પ્રજાપતિ અને તાજેતરમાં કલા ઉત્સવમાં કંઠ્ય સંગીતમાં રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કરનાર આસના પાલકર સહિત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને આ સંસ્થા મદદરૂપ બની છે. આ શાળાની ધોરણ 11ની વિદ્યાર્થીની આસના પાલકર સોમવારે ભોપાલ ખાતે રાષ્ટ્રીયકક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેશે.ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ ચીનુભાઈ શાહ, ટ્રસ્ટી રાજુભાઇ શાહ, યશવંતભાઈ ઝવેરી, કલ્પેશભાઈ બારોટ અને શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈ સહિત ભારે જહેમતથી શાળા માટે યોગદાન આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News