કમોસમી વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થતાં સુઇગામ તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:37:27
  • Views : 448
  • Modified Date : 2019-11-16 11:37:27

દિવાળી પહેલાં ભારે વરસાદ અને ગત બુધવારે પણ વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી દિવેલા, ઘાસચારાને અતિભારે નુકસાન થતાં સુઇગામ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂતોએ ભેગા મળી પાક નુકસાન સામે વીમો અને સરકાર વળતર આપે તેવી માંગ સાથે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ચાલુ સાલે ચોમાસા બાદ ભારે વરસાદ,કમોસમી માવઠું,કરા વર્ષા, વાવાઝોડું અને ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. દિવાળી
પહેલાના ભારે વરસાદમાં બાજરી જુવારના પાકનો સોથ વળી ગયો હતો. ગત બુધવારની રાત્રીએ ચક્રવાત વાવાઝોડા સાથે કરા વર્ષા સાથે કમોસમી માવઠું થતાં સુઇગામ તાલુકાના ગરામડી, કટાવ, વાઘપુરા, સોનેથ, ઘરેચાણા, ડાભી, દુદોસણ, મોરવાડા, ઉચોસણ, જોરાવરગઢ, સહિતના મોટા ભાગના ગામોમાં દિવેલા તેમજ ઘાસચારાના પાકનો સફાયો થઈ ગયો છે. દિવેલાનો પાક ભાંગીને ભુક્કો થઈ જતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. એકબાજુ ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભર્યુ હોવા છતાં વીમા કંપનીઓ દુર્લક્ષ સેવી રહી છે. ત્યારે કુદરતના કહેરથી પીડિત ૧૦૦ ઉપરાંત ખેડૂતોએ ખેતીપાકોમાં નુકસાન અંગે વળતર મળે અને વીમો મળે તે માટે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.


Download Our B K News Today App



Related News