પાટણમાં નાગરિક સંશોધન અધિનિયમના સમર્થનમાં વિશાળ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 11:41:24
  • Views : 373
  • Modified Date : 2019-12-25 11:41:24

 કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભા અને લોકસભામાં સંપૂર્ણ બહુમતીથી એન.આર.સી. અને સી.એ.બી. બીલને મંજૂરીની મહોર માર્યા પછી છેલ્લાં કેટલાંય દિવસોથી આ બીલ મુદ્દે વિવાદ ચાલે છે. જેમાં મંગળવારે
પાટણમાં બીલના સમર્થનમાં સવારે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ હજાર જેટલા લોકો જોડાયા હતા અને તમામ લોકોએ પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તમામ સંસ્થાઓના લોકો પણ જોડાયા હતા અને આ બીલના સમર્થનમાં ૧૫૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે આ રેલી યોજાઈ હતી.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફઘાનિસ્તાનના બિનમુસ્લિમ લઘુમતી હિંદુ, જૈન, બૌદ્ધ,
પારસી તથા ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવા સુધારા ધારો સંસદમાં પસાર કરાયો છે અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. પરંતુ આ ધારો દેશની બિનસાંપ્રદાયિકતાને નુકસાન
પહોંચાડવા સાથે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતો હોવાના આક્ષેપ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ પ્રદર્શન દરમિયાન હિંસક ઘટનાઓ પણ બની છે. જ્યારે ભાજપ અને તેની સમર્થક સંસ્થાઓ દ્વારા દેશભરમાં આ ધારાના સમર્થનમાં સભાઓ અને રેલીઓનું આયોજન થઈ રહ્યુ છે. ત્યારે પાટણ ખાતે પણ એમ.એન. હાઇસ્કૂલ ખાતે સીએબી બીલનું વાંચન કરીને સંતો દ્વારા આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ૧૫૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે  આ રેલી એમ.એન. હાઇસ્કૂલથી નીકળી મદારસા, ત્રણ દરવાજા, હિંગળાચાચર, બગવાડા દરવાજા, રેલ્વે સ્ટેશન,  રાજ મહેલ થઇને કલેકટર કચેરી સુધી પહોંચે તે પહેલાં તો આ રેલીમાં માણસો જોડાતા ગયા હતા અને કલેકટર કચેરી સુધીમાં આ રેલીમાં ૧૦ હજાર જેટલા લોકો જોડાઇ જતા રેલી નહી પણ જાણે એક મોટો સમર્થનનો રેલો નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યુ હતુ. આ રેલી નીકળતા પાટણમાં કામ અર્થે આવેલ લોકોને પણ આ રેલી જોવા માટે રોકાઇ જવુ પડ્યું હતું. આ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં જિલ્લા કલેકટરને બીલનું સમર્થન કરતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. ત્યાંથી રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત રાજ્યના મંત્રી વાસણભાઇ આહીર, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ નિતીનભાઇ વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, મનોજભાઇ પટેલ તેમજ તેમની સાથે સાથે રોટરી કલબ, લાયન્સ કલબ, એક્ટીવ ગ્રુપ, આર.એસ.એસ., સીનિયર સિટિઝન, વિશ્વ હિંદુ પરિષદ, સીંધી સમાજ, પટણી સમાજ, ભગીની સમાજ, દલિત સમાજ, શ્રીરામ સેવા સમિતી તેમજ તમામે તમામ હિંદુ સંગઠનો પણ આ રેલીમાં સહભાગી બન્યા હતા.

Download Our B K News Today App



Related News