અમદાવાદમાં 70% દર્દીઓ ઓક્સિજન પર, એક મિનિટમાં એક દર્દીને 4 લિટર, ICUના દર્દીને એક મિનિટમાં 10 લિટર ઓક્સિજન અપાય છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 14:58:28
  • Views : 301
  • Modified Date : 2021-04-23 14:58:28

    અમદાવાદમાં અત્યારે કોરોનાના નવા સ્ટ્રેનના કારણે હાલત એવી છે કે, હોસ્પિટલમાં લવાતા કોરોનાના 70 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થતાં ઓક્સિજનની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જોકે, સામે સપ્લાય ઓછો હોવાથી ઘણી હોસ્પિટલો ઓક્સિજનની તંગીનો સામનો કરી રહી છે. 70 ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે.સરેરાશ એક દર્દીને એક મિનિટમાં 1થી 4 લિટર ઓક્સિજન આપવો પડે છે, જો દર્દી આઈસીયુમાં હોય તો એક મિનિટમાં 10 લિટર ઓક્સિજન ચઢાવવો પડે છે.

    વાયરસની બદલાયેલી પેટર્ન વચ્ચે હોસ્પિટલમાં લવાતા દર્દીઓમાં વાયરલ લોડ પણ ખૂબ જ વધી ગયેલો હોય છે. જેના કારણે તેમના ફેફસાં પર તેની ગંભીર અસર પડે છે. જેના કારણે મોટાભાગના દર્દીઓને ઉપરથી ઓક્સિજન આપવો પડે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, કોરોનાગ્રસ્ત દર્દીને નેઝલ પ્રોન્જ પર દર્દીને 0 થી 4 લિટર, સાદા વેન્ટિલેટર માસ્ક પર દર્દીને 6 થી 8 લિટર અને એન.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને 10 થી 12 લિટર પ્રત્યેક મિનિટ જેટલો ઓક્સિજન શરીરમાં પહોંચતો કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં ઓક્સિજન ચઢાવવો પડે તેવા દર્દીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. સિવિલમાં 55 ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, જે પહેલા તો દર 2-3 દિવસે ખાલી થતી હતી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે તેને એક જ દિવસમાં 2-3 વાર રિફિલ કરવી પડે છે

    સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડની હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં 1200 બેડ હોસ્પિટલમાં 20000 લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20000 લિટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20000 લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ 60000 લિટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

    ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે થી ત્રણ વાર રિફીલ કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન સેન્ટ્રલાઇન કરેલી હોવાથી ક્યારેય ઓક્સિજન ખૂટવાની શક્યતા રહેતી નથી.

    ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું ઓક્સિજન ટેન્ક સાથે વેપોરાઇઝર પણ કાર્યરત હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. ઓક્સિજન લિક્વિડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.ટેન્કમાં રહેલો લિકવિડ ઓક્સિજન (-196 ડિગ્રી સેલ્સિયસ) તાપમાન ધરાવતો હોય છે. જેને દર્દીના રૂમ ટેમ્પરેચરમાં 30થી 35 ડિગ્રીએ લાવવો જરૂરી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન પાઈપલાઈન પર બરફ જામી જતો હોય છે, જેને અટકાવવાં માટે પણ વેપોરાઈઝરનો ઉપયોગ થાય છે.


Download Our B K News Today App



Related News