શિવરાત્રીએ સોમનાથ મંદિરના દ્વાર ખુલતા જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ, સવારે 4 વાગ્યાથી શિવભક્તોની લાંબી લાઈન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 12:10:29
  • Views : 228
  • Modified Date : 2021-03-11 12:10:29

    આજે મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્‍યે ખુલ્‍યા ત્‍યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઇનમાં શિવ ભક્તોનો સમુહ જોવા મળતો હતો. મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્‍યનું ભાથુ બાંઘવા કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યાનો માહોલ મંદિર પરીસરમાં નજરે પડતો હતો. સોમનાથ સાંનિઘ્‍યે વહેલી સવારથી ઉમટેલા શિવ ભક્તોના હર હર મહાદેવ, ઓમ નમ: શિવાયના નાદથી મંદિર પરીસરમાં શિવમય વાતાવરણ જોવા મળતુ હતુ. સોમનાથ મંદિર હોય કે પરીસર જ્યાં જુઓ ત્‍યાં ભાવિકો શિવભક્તિમાં મગ્‍ન હોય તેવો નજારો જોવા મળતો હતો.

    કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિર ટ્રસ્‍ટ અને વહીવટી તંત્રએ કરેલ અપીલને ભાવિકો અનુસરતા હોય તેમ તમામ ભાવિકો માસ્‍ક પહેરીને મંદિરે આવતા જોવા મળતા હતા. જ્યારે મંદિરમાં પ્રવેશ માટે જરૂરી પાસ માટેની ઓફલાઇન પાસ મેળવવા માટે કરાયેલ સરળ વ્‍યવસ્‍થાથી ભાવિકો વિના અગવડતા શાંતિ પૂર્વક દર્શન કરી ઘન્‍યતા અનુભવી રહ્યા હતા. સોમનાથ મંદિરે આવતા દરેક ભક્તજનો કોરોનાની ગાઇડલાઇન મુજબ શાંતિપૂર્વક દર્શન કરી શકે અને કોઇપણ ભાવિકને દર્શન માટે અસુવીધા ન થાય તે માટે ટ્રસ્ટ, વહીવટી અને પોલીસ તંત્રએ કરેલ સુસજ્જ વ્યવસ્થાને દુર દુરથી આવતા ભાવિકો બિરદાવી આવકારી રહ્યા હતા.

    આજે મહાશિવરાત્રીના દિવસે ખાસ દિલ્‍હીથી આવેલ શિવભક્ત નવીનકાંત મિશ્રાએ જણાવ્યું કે, અમોએ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવની આરતી અને દર્શન સારી રીતે કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી છે. અહીં કોરોનાને લઇ તંત્રએ ભાવિકો દર્શન કરી શકે તે માટે કરેલ વ્‍યવસથા પ્રસંશાને પાત્ર છે. અમોએ કોરોના મહામારીમાંથી દેશવાસીઓને બચાવી સૌનું કલ્‍યાણ સોમનાથ મહાદેવ કરે તેવી પ્રાર્થના કરી છે.

    સોમનાથ મહાદેવને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સવારે પ્રાંત આરતીમાં વિશેષ પીળા રંગના પુષ્પો, પીતાંબરનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે પાવન દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અંજલીબેનએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

    શિવરાત્રીની પૂર્વ રાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. રાત્રીના અંધકારમાં રોશનીથી ઝળહળી ઉઠેલા સોમનાથ મંદિરનો આહલાદક નજારો જોવા જેવો હતો.


Download Our B K News Today App



Related News