દેવુ વધી જતાં લૂંટ અને અપહરણનું તરકટ રચ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-01 15:36:49
  • Views : 117
  • Modified Date : 2023-08-01 15:36:49

 રાજકોટમાં મહાનગરપાલિકા નજીક સોનાના વેપારીના કર્મચારીનું અપહરણ કરીને માર મારી લાખો રૂપિયાનું સોનું લૂંટી લેવાની ફરિયાદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ કેસની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે. જેમાં અપહરણ અને લુંટનો ભોગ બનનાર કર્મચારી જ આરોપી નીકળ્યો છે. જેણે રૂપિયા માટે અન્ય 2 લોકો સાથે મળીને લૂંટ અને અપહરણનું તરકટ રચ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને 2 લોકોને ઝડપી પાડયા છે.સમગ્ર કેસની વિગત જોઈએ તો યાજ્ઞિક રોડ પર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સોનાના બિસ્કીટના લે વેચ સાથે સંકળાયેલા વેપારીની ઓફિસમાં હાર્દિક ટાંક 6 વર્ષથી કર્મચારી તરીકે કામ કરતો હતો. 26 જુલાઈના રોજ હાર્દિકને તેના શેઠે સોની બજારમાંથી 100-100 ગ્રામના 2 બિસ્કીટ લેવા 5.74 લાખ રૂપિયા લઇને મોકલ્યો હતો અને અન્ય 6.60 લાખ પહેલા ચૂકવાઈ ગયા હતા. આ રકમ લઈને હાર્દિક સોનાના બિસ્કીટ લેવા ગયો હતો અને બિસ્કીટ લઈને ત્યાંથી નીકળી ગયો હતો.હાર્દિકે પોતાની મિત્ર કોમલને રૂપિયાની જરૂર હોવાની વાત કરી હતી અને કોમલ તેની મદદ કરવા તૈયાર થઈ હતી. કોમલે તેના પ્રેમી હસનેને પણ આ પ્લાનમાં સામેલ કર્યો હતો. હાર્દિકે તેના બદલામાં બંનેને એક એક લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પ્લાન મુજબ હાર્દિક સોનાના બિસ્કીટ લઈને સોની બજારમાંથી કોર્પોરેશન ચોક નજીક પહોંચ્યો ત્યારે કોમલ અને હસનેન હાર્દિકનું પોતાના મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કર્યું હતું અને માર મારી પ્લાન મુજબ સોનાના બિસ્કીટ લઈને મેટોડા પાસે ઉતારી દીધો હતો.આ સમગ્ર ઘટના પોલીસને પહેલેથી જ શંકાસ્પદ લાગી રહી હતી. જેમાં લોકોની આટલી અવરજવરવાળા વિસ્તારમાંથી ટુ વ્હીલર પર યુવકનું અપહરણ થાય તેમાં પણ એક યુવતી સામેલ હોય અને મેટોડા સુધી પહોંચે અને કોઈને શંકા ન જાય તે વાત પોલીસને ગળે નહોતી ઉતરતી અને પોલીસે ઝડપાયેલા આરોપી કોમલ અને હસનેનની ઉલટ તપાસ કરી હતી. જેમાં આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે કોમલ અને હસનેનની ધરપકડ કરી છે અને આ લુંટ અને અપહરણનું ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધાર હાર્દિક ટાંક જે ફરાર થઈ ગયો છે તેની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News