ચાઈનીઝ એપ. પર પ્રતિબંધ ઃ ભારતની ચીન સામે આર્થિક ઘેરાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:27:19
  • Views : 400
  • Modified Date : 2020-07-01 11:27:19

ભારત અને ચીન વચ્ચે હાલમાં તણાવનો માહોલ સર્જાયેલો છે. એલએસી પર ચીને આપણા સૈનિકો સાથે કરેલી હરકતનો જવાબ આપવા પ્રધાનમંત્રીએ સેનાને છૂટો દોર આપી દીધો છે. બીજી તરફ સેનાના અધિકારીઓની બંને દેશો વચ્ચે હાઇ લેવલની તબક્કાવાર મીટિંગો પણ યોજાઈ રહી છે. ત્યારે ભારત સરકારે સોમવારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ૫૯ જેટલી ચાઈનીઝ એપ. ઉપર પ્રતિબંધ લગાવીને આર્થિક ઘેરાબંધી કરી છે. આ પ્રતિબંધને ડીસાના શહેરીજનોએ આવકાર્યો છે.
 ચાઈનીઝ ટીકટોક એપ્લિકેશન ચાર જ વર્ષમાં એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે ટીનએજથી મળીને વયસ્કો પણ તેના ઉપર મસ્તીભર્યા વિડીયો અપલોડ કરતા હતા. આ એક લોકપ્રિય થવાની ગાંડી ગેલછા હતી. આ ટીકટોક એપ સપ્ટેમ્બર ૨૦૧૬ માં શરૂ થઈ હતી. જેના વિશ્વભરમાં ૮૦૦ મિલિયન વપરાશકર્તા છે. જે ગુગલ પ્લે અને એપ. સ્ટોર પર ૧.૫ અબજથી વધુ વખત ડાઉનલોડ થઇ હતી. ટીકટોકના ૪૧ ટકા વપરાશકારો ૧૬થી ૨૪ વર્ષની વયના છે. આ એપ્લિકેશન ભારતમાં ૪૬૭  મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જે કુલ ડાઉનલોડનો ત્રીજો ભાગ કહી શકાય. જ્યારે તેના ઉપયોગ પાછળ પ્રત્યેક વપરાશકાર સરેરાશ ૫૨ મિનીટ ખર્ચ કરે છે. જ્યારે એક વર્ષમાં દરરોજ સરેરાશ એક મિલિયન કરતા પણ વધુ વખત વિડીયોઝ જોવામાં આવી રહ્યા હતા. હવે વિચાર કરો આ એક જ એપ્લિકેશનથી ટીકટોક ૧૨૦૦ કરોડની કમાણી કરતું હતું. આવી ૫૯ એપ્લિકેશનો ઉપર ભારતે મૂકેલા પ્રતિબંધથી ચીનને ના કલ્પેલું નુકસાન ભોગવવું પડશે તે નક્કી વાત છે. આમ આ આર્થિક યુદ્ધ જ કહી શકાય.

દેશની સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યુ હતુ
ભારત સરકારે ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો તે યોગ્ય નિર્ણય છે. આવી એપ્લિકેશન દ્વારા દેશની સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યુ હતુ. યુવાનો ગેરમાર્ગે દોરી રહ્યા હતા. વિડિયો મૂકીને પોતાના ચાહકો વધારવાની ચાહનામાં યુવાધન ગળાડૂબ હતુ. ત્યારે આ એપ્લિકેશન પર પ્રતિબંધ આવવાથી હવે અંત આવશે.             
 - મયંક ઠક્કર (વિદ્યાર્થી)

યુવાધનનો કિંમતી સમય બચશે
ટીકટોક અને તેના જેવી અને કેટલીક ચાઈનીઝ એપ. પાછળ યુવાધનનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો હતો. હવે પ્રતિબંધ આવવાથી તેઓ સમયનો સદુપયોગ કરી શકશે. સરકારનો ચાઈનીઝ એપ.નો પ્રતિબંધ એ આવકારદાયક નિર્ણય છે.                  
- ઉપાસનાબેન સોનેજી (આચાર્યા)

ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર ચાલુ રાખો
ચાઈનીઝ એપ્લિકેશનો દ્વારા કરોડો રૂપિયા કમાઈને ચીન શાસ્ત્રો વસાવે છે. જેનો ઉપયોગ આપણા દેશના સૈનિકો સામે કરે છે. હવે એપ્લિકેશન જ નહી પરંતુ સમગ્ર ચાઈનીઝ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ અને તે સતત ચાલુ રાખવો જોઈએ.              
- શૈલેષભાઈ ઠક્કર (સમાજ સેવક)

Download Our B K News Today App



Related News