ધાનેરામાં ડીપ્થેરીયાના બે કેસ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-12 11:19:42
  • Views : 381
  • Modified Date : 2019-10-12 11:19:42

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના બે પોજીટીવ કેસ બહાર આવ્યા છે અને જેમાં એક બાળકનું મોત નિપજ્યુ છે. ત્યારે બીજુ બાળક અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર જણાઇ રહી છે. ત્યારે બીજી તરફ વધુ પાંચ શંકાસ્પદ ડીપ્થેરીયાના કેસ મળી આવતા ધાનેરા તાલુકાનું આરોગ્ય વિભાગ તેમજ જિલ્લાનું  આરોગ્ય તંત્ર દોડતુ થવા પામ્યુ છે. જ્યારે જાન્યુઆરી ૨૦૧૯ માં પણ ડીપ્થેરીયાના કારણે દિયોદરમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા.
ભારત સરકાર દ્વારા આરોગ્ય બાબતે સૌથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને લોકોના આરોગ્ય બાબતે નાનામાં નાની વાત ઉપર વધુ ધ્યાન આપે છે. જેથી ભારતમાંથી સિતળા, ઓરી, લકવો જેવી બીમારીઓ
સંપૂર્ણપણે નાબુદ થવા પામી છે અને ડીપ્થેરીયા પણ નાબુદીના આરે છે. ત્યારે રસીઓ આપવા છતાં પણ ધાનેરા તાલુકામાં આ ડીપ્થેરીયાના કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થવા
પામ્યા છે. છેલ્લાં બે મહિનાથી ધાનેરા તાલુકાના મોટા ભાગના લોકો વાયરલ ફીવરનો શિકાર બન્યા છે. અને તેમાં પણ ડેન્ગ્યુનું પ્રમાણ વધતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકાના સરાલ વીડ ગામે એક બાળકનું ડીપ્થેરીયાના કારણે મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. આ રોગ મોટાભાગે ૧ થી પ વર્ષના બાળકોને કે જેમણે રસીઓ ન લીધી હોય તેવા બાળકોને વધુ થવાની સંભાવના રહે છે. ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સિયા ગામે પણ એક બાળકીને ડીપ્થેરીયા થતાં તે અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર જોવા મળી રહી છે. ત્યારે તાલુકામાં ડીપ્થેરીયાના પાંચ અન્ય કેસ જોવા મળ્યા હતા. જેથી આ રોગની રસી ન આપી હોવાના આક્ષેપો પણ છેડેચોક થવા લાગ્યા છે.  આ ડીપ્થેરીયાના રોગના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ રોગ કેવી રીતે થયો તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ડીપ્થેરીયા રોગ જિલ્લાના દિયોદર તાલુકાના ચિભડા ગામે જાન્યુઆરી ૨૦૧૯ માં જોવા મળ્યો હતો અને જેમાં ચિભડામાં બે બાળકોના મોત નિપજયા હતા તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ. પરંતુ તે બાબતે કોઇ તટસ્થ તપાસ કરવામાં આવી નહોતી.

Download Our B K News Today App



Related News