પ્રાઇવેટ પ્રેકટીસ કરતા બનાસકાંઠામાં સરકારી આરોગ્ય કર્મચારીઓ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 11:49:19
  • Views : 1647
  • Modified Date : 2019-11-30 11:49:19

બનાસકાંઠામાં નવા નિમાયેલા જિલ્લા આરોગ્ય અધિકારીએ ગુરૂવારે સાંજે પાલનપુર, લાખણી, ડીસામાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાં સી. એચ. ઓ. તેમજ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કેન્દ્રોમાં ફરજ બજાવતા ચાર આરોગ્ય કર્મચારીઓ ખાનગીમાં પ્રેકટીસ કરતા ઝડપાઇ ગયા હતા. જેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ફરજ દરમિયાન
ગેરરીતિ આચરનારા આરોગ્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહેતા ન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે અગાઉ અખબારોમાં
પણ અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. દરમિયાન બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નવા નિમાયેલા ડો. મનિષકુમાર ફેન્સીએ ગુરૂવારે પાલનપુર, લાખણી અને ડીસા તાલુકાના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કેન્દ્રોની સરપ્રાઇજ વિઝિટ કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન
પાલનપુર સીએચઓ, લાખણી અને ડીસાના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કેન્દ્રોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ અન્યત્ર ખાનગી પ્રેકટીસ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી સસપેન્ડ કરવા જિલ્લા વિકાસ અધિકારીની
પરમીશન માંગવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય અધિકારીની ઓચિંતી તપાસને પગલે આરોગ્ય વિભાગમાં ફરજ દરમિયાન ગેરરીતિ આચરનારા કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

Download Our B K News Today App



Related News