પ્રથમ વાર દિલ્હીની બહાર ‘આર્મી ડે’ નું આયોજન કરાયુઃ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 15:51:08
  • Views : 480
  • Modified Date : 2023-01-16 15:51:08

1947માં દેશ આઝાદ થયો ત્યારથી આજદિન સુધીમાં હેલી વાર આર્મી ડેની પરેડનું આયોજન દિલ્હીની બહાર થયું હતું.. આ વખતે આર્મી દિવસની પરેડ કર્ણાટકના બેંગલુરુમાં યોજાઈ છે. અગાઉ 1949થી દર વર્ષે આર્મી દિવસની પરેડ દિલ્હીમાં જ થઈ હતી. બાઇક સ્ટંટ, સ્કાયડાઇવિંગ અને બેન્ડ ડિસ્પ્લે અદભુત લશ્કરી પ્રદર્શનનો એક ભાગ છે. વધુમાં, આઠ માર્ચિંગ ટુકડીઓ આ કાર્યક્રમમાં સામેલ થશે.

આર્મી ડે દર વર્ષે 15 જાન્યુઆરીએ એ પ્રસંગની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે જનરલ ( ફિલ્ડ માર્શલ) કેએમ કેરિયપ્પાએ 1949માં ભારતીય સેનાની કમાન જનરલ સર ફ્રાન્સિસ રોબર્ટ રોય બુચર પાસેથી લીધી હતી, જે છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ હતા. આ દિવસે કેએમ કેરિયપ્પા ભારતીય સેના અને ભારતના પ્રથમ આર્મી ચીફ બન્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે પરેડમાં ભાગ લઈ રહ્યા છે. સેનાના વડા જનરલ મનોજ પાંડે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ સેલિબ્રેશનમાં હાજર છે.સેનાના વડા જનરલ મનોજ પાંડે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર પ્રથમ વખત આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનાથી સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે. મને ખાતરી છે કે, આ અમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સેના પ્રમુખે કહ્યું કે, સેનાએ દૃઢ નિશ્ચય સાથે તમામ પ્રકારના પડકારોનો સામનો કર્યો. અમારી સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સરહદ પર આતંકવાદી ષડયંત્ર હજુ પણ ચાલુ છે પરંતુ આપણા જવાનો દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે. આર્મી ચીફે કહ્યું કે પૂર્વોત્તરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ તેમની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, “આર્મી ડે પર હું તમામ સેનાના જવાનો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે અને તે હંમેશા આપણા સૈનિકોના આભારી રહેશે. તેઓ હંમેશા આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખ્યું અને કટોકટીના સમયે તેમની સેવા માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે.”2023 પહેલાં આર્મી ડે પરેડ દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પર થતી હતી. આ વર્ષે, તે બેંગલુરુમાં મદ્રાસ એન્જિનિયર ગ્રુપ અને સેન્ટર ખાતે યોજાઈ રહી છે.

Download Our B K News Today App



Related News