અરવલ્લીઃ મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-03 12:07:16
  • Views : 58
  • Modified Date : 2024-07-03 12:07:16

અરવલ્લી જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એ મુજબ જ મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની સવારી જોવા મળી હતી. વરસાદી માહોલ જામવાને લઈ હવે ખેડૂતોને પણ ખેતી માટે મોટી રાહત સર્જાઈ છે. જિલ્લામાં હવે ખેડૂતોએ ચોમાસુ ખેતી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે.ગઈ રાત્રી દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં અંતિમ 24 કલાક દરમિયાન લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુઘવારે સવારે 6 કલાક સુધીમાં મોડાસમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોડાસા અને આસપાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.મોડાસા શહેરના હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મોડાસાના મેઘરજ રોડ, મોડાસા શહેરમાં આવેલ ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકોને હાલાકી સર્જાઈ હતી.આ ઉપરાંત મેઘરજમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અંતિમ 24 કલાક દરમિયાનમાં મેઘરજમાં 22 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભિલોડા અને ધનસુરામાં પોણો પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એટલે કે, ભિલોડામાં 19 અને ધનસુરામાં 17 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાયડમાં અડધો ઈંચ અને માલપુરમાં 9 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદમાં પણ દોઢ-દોઢ ઈંચ કરતા વધારે વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જળવાઈ રહેવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. ખેડૂતો આ વિસ્તારમાં હવે વાવણી માટે વ્યસ્ત બનવા લાગ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News