એરંડાના ભાવમાં સટ્ટાખોરી સામે પાલનપુર સિદ્ધપુર, પાટણના માર્કેટયાર્ડમાં હડતાળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 16:35:27
  • Views : 752
  • Modified Date : 2019-10-06 16:35:27

એનસીડીએક્સ અને મોટા વેપારીઓની સિન્ડીકેટના કારણે માલની અછત વચ્ચે કૃત્રિમ મંદી ઉભી કરાતાં એરંડાના ભાવ એક જ સપ્તાહમાં રૂ.1100થી ઘટીને રૂ.800 થઇ જતાં નાના વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે સેબીમાં રજૂઆત છતાં પગલાં નહીં લેવાતાં વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. શનિવારે પાટણ, પાલનપુર અને સિદ્ધપુરના ગંજબજારોએ હડતાળ પાડી એરંડાના માલની હોળી કરી હતી. તો વિસનગર અને હારિજ ગંજબજાર દ્વારા પણ સોમવારથી એરંડાની હરાજી બંધ કરવાનો નિર્ણય કરી જંગનું એલાન કરાયું છે.પાલનપુરના નવા ગંજમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતો અને વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વરસાદથી ખેતીપાકને થયેલા નુકસાનના સર્વે બાબતે તેમજ એનસીડીએક્સમાં સટ્ટાખોરીના કારણે એરંડાના ભાવમાં ધરખમ ઘટાડા સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. બાદમાં એનસીડીએક્સ અને સેબીના વિરોધમાં ગંજના ગેટ નજીક એનસીડીએક્સ હાય હાય સેબી હાય હાય.. ના નારા સાથે એરંડાના બારદાનની હોળી કરાઇ હતી. માર્કેટ યાર્ડ બંધ રહેતાં કરોડોનુ ટર્નઓવર ઠપ રહ્યું હતું. તેમજ જિલ્લા કલેકટરને આવેદન આપી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવા રજૂઆત કરાઇ હતી.આ બાબતે ખેડૂત નાગરભાઇ પટેલે જણાવ્યું કે, એરંડાના પાકને બે વર્ષ સુધી કંઈ જ થતું નથી. જેથી ખેડૂત એરંડાનો માલ સાચવી રાખતો હોય છે અને પૈસાની જરૂર સમયે તે વેચતો હોય છે. પરંતુ સરકાર તેમજ એનસીડીએક્સની મીલીભગતથી એરંડાના ભાવ ઘટતાં ખેડૂતોની હાલત કફોડી થઇ છે.એરંડાના ભાવમા ધરખમ ઘટાડાને લઇ એનસીડીએક્સ હાય હાયના નારા સાથે પાલનપુરમાં ખેડૂત-વેપારીઓએ બારદનની હોળી કરી હતી.

Download Our B K News Today App



Related News