ગાંધીનગર સેક્ટર-૨૪ જય અંબે પરિવારનો અનોખો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:32:34
  • Views : 366
  • Modified Date : 2020-04-08 11:32:34

આપત્તિના સમયે એકબીજાને મદદરૂપ થવું તે જ સાચો પડોશી ધર્મ છે. લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ હોવાના કારણે નિમ્ન મધ્યમવર્ગીય અને ગરીબ
પરિવારોની હાલત કફોડી બની છે. આવા પરિવારોને મદદરૂપ થવાના હેતુથી સેકટર-૨૪ના જય અંબે મંડળે અનોખો પ્રયાસ કર્યો છે. મંડળે વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો માટે વસાહતીઓ પાસેથી ભેગા કરેલા નાણાનો ઉપયોગ હાલની સ્થિતિમાં સવાર-સાંજ ગરમ-ગરમ ભોજન પૂરું પાડવા માટે થાય છે.
સેકટર-૨૪ હરસિદ્ધનગરમાં નવરાત્રિ, ગણેશોત્સવ સહિતના ધાર્મિક-સામાજિક આયોજનો માટે વસાહતીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે. લોકડાઉન દરમિયાન કેટલાક વસાહતીઓને તકલીફ પડતી હોવાનું જણાતા જય અંબે સેવા ટ્રસ્ટના સભ્યોએ ઉકેલ અંગે ચર્ચા કરી હતી. વસાહતીઓ સાથે ચર્ચા બાદ સૌએ એક મતે મંડળની બચતના નાણાં વસાહતીઓને બે સમય ભોજન પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો હતો. મંડળા અજયસિંહ પરમાર, મેરૂસિંહ ચાવડા, તુષાર જયસ્વાલ, રાજુભાઈ પટેલ, આશિષ જોષી, બકુલ જયસ્વાલ, ખેંગારભાઈ
પરમાર, ગોપાલભાઈ રસોઈયા સહિતના સભ્યો ભેગા થઈને શાક સમારવાથી માંડીને પુરી-રોટલી તૈયાર કરવાનું કામ કરે છે. આ સભ્યો કરિયાણું-શાકભાજી ખરીદવાથી માંડીને સવાર સાંજ ભોજન વિતરણ સુધીની જવાબદારી નિભાવે છે. હાલ તેઓ દરરોજ સવારે અને સાંજે ૩૨૫ વ્યક્તિને ઘેર બેઠા ભોજન પહોંચાડી રહ્યા છે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી ઘેર-ઘેર ભોજન પહોંચાડવાની આ સેવા ચાલુ રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News