લાખણીમાં માર્કેટયાર્ડના વેપારીઓએ અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:06:30
  • Views : 311
  • Modified Date : 2020-10-24 10:06:30

સનાતન ધર્મમાં ભુખ્યાને ભોજનનો વિશેષ મહિમા રહેલ છે. આપણા વંદનીય સંતોએ
પણ ભુખ્યાને ભોજન  કરાવવાનો મહિમા બતાવ્યો છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો" એ પ્રમાણે સદાકાળ રોટલો
પીરસાય છે, ત્યાં ભગવાન પ્રસન્ન થાય છે. જેથી લાખણી માર્કેટયાર્ડના વેપારી ભાઈઓને સેવાનો ઉત્તમ વિચાર પ્રગટ થયો. આમ પણ લાખણી માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ધર્મ અને પુણ્યના કામો
સમયાંતરે કરવામાં આવતા જ હોય છે, જે સરાહનીય છે. આ વખતે તેમણે કાયમ માટે સેવા કરવાના સંકલ્પના ભાગરૂપે અન્નક્ષેત્ર શરૂ કરવાનું વિચાર્યું. ત્યારે બધાએ સહમતી આપતા 'શ્રી હિંગળાજ માતાજી અન્નક્ષેત્ર' નામથી માર્કેટયાર્ડના ગેટની આગળ શરૂ કરવામાં આવ્યું. જે બજારથી નજીક હોવાથી બજારમાં ભિક્ષુક તરીકે આવતા લોકો પણ સરળતાથી અન્નક્ષેત્રમાં આવી શકે તેનો
પણ વિચાર કરવામાં આવ્યો છે. આ અન્નક્ષેત્રમાં લાખણી માર્કેટયાર્ડના વેપારી મિત્રો તેમજ અન્ય કોઈ બહારથી સહયોગ કરવા માંગતા હોય તો એમનો પણ સહયોગ લેવામાં આવશે. તાલુકા મથક લાખણીને બજારની નજીક એક સુંદર મજાના અન્નક્ષેત્રની જરૂરિયાત હતી. કારણ કે
વ્યાપારી મથક હોવાને કારણે ભિક્ષુકો સાધુઓ સહિત ઘણા બધા જરૂરિયાતમંદ લોકો લાખણીમાં ભોજન માટે વ્યવસ્થા ન હોવાથી તેઓ નિરાશ થતા હતા.
આ બધા લોકોનો વિચાર કરીને ભૂખ્યા માણસોને સરળતાથી અને
પૌષ્ટિક ભોજન મળી રહે તે આશયથી સુંદર મજાના અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાના આ કાર્યને બિરદાવવું જોઈએ. સેવા કરવી એ કોઈ નાની વાત નથી સેવા પરમો ધર્મ છે અને એમણે ભૂખ્યાને ભોજન આપવું એ જ મોટો ધર્મ છે. આ કાર્ય માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેને ચોતરફ આવકારમાં આવે છે. આ પ્રસંગે રાજકીય આગેવાનો અને લાખણી માર્કેટયાર્ડના
વેપારીઓ સહિત ગામલોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News