વેક્સિનેશનની જાહેરાત બાકી પણ રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાની જાહેરાત, વાલી મંડળનો વિરોધ, બાળકોનું સ્વાસ્થ્ય થર્મલગનના ભરોસે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:27:26
  • Views : 358
  • Modified Date : 2021-01-06 14:27:26

    ગુજરાત સરકારે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો તથા UG-PGની છેલ્લા વર્ષની કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે વાલીઓએ બાયંધરી પત્રક આપવું પડશે. કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશન ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ત્યાં જ રાજ્ય સરકારે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વાલીઓ જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. દેશમાં એક લોકલ સર્કલના ઓનલાઈન સર્વેમાં બહાર આવેલી વિગતો મુજબ, વાલીઓ તેમના બાળકોને તાત્કાલિક નહીં પણ એપ્રિલ 2021માં સ્કૂલે મોકલવા માગે છે. જ્યારે ગુજરાતના તો 70 ટકા વાલીઓ વેક્સિન ન આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. આમ રાજ્ય સરકારના આ નિર્ણય સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

    સ્કૂલો ખોલવા માટે સંચાલકો અને વાલીઓનો તર્ક હતો કે, કોરોનાના ઘટતા કેસો અને વેક્સિનેશનની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી હોવાથી 14 જાન્યુઆરી પછી સરકાર સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે. પરંતુ 5 જાન્યુઆરીએ જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હાલમાં સરકારની સ્કૂલો શરૂ કરવા માટે કોઇ વિચારણા નથી. પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર નિર્ણય કરશે. તો પછી 24 કલાકમાં એવું તો શું બન્યું કે શિક્ષણમંત્રીએ નિર્ણય બદલવો પડ્યો?

    આ પહેલા 23 નવેમ્બરે સ્કૂલો ખોલવા માટે જીદે ચડેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અન્ય રાજ્યોની સરખામણી કરી હતી, પરંતુ મોટા ભાગનાં રાજ્યોએ શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો હતો.ત્યાર બાદ કોરોના બેકાબૂ બનતા શિક્ષણમંત્રીએ પણ નમતું જોખીને સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. આમ આ વખતે પણ આ નિર્ણય ઉતાવળ ભર્યો લાગે છે, કારણ કે 11 જાન્યુઆરીએ સ્કૂલો શરૂ થશે તો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની જાહેર રજા છે. ત્યાર બાદ 16-17 જાન્યુઆરી શનિ-રવિની રજાઓ આવશે. તો પછી 9 મહિનાથી બંધ સ્કૂલો એક વીક પછી જ એટલે કે જાહેર રજા બાદ જ ખોલી શકાય તેમ હતી. માત્ર એટલું જ મુહૂર્તમાં માનતા શિક્ષણ મંત્રી અને સરકાર બાળકોને શા માટે કમૂરતામાં સ્કૂલે બોલાવવા માગે છે?આ નિર્ણયને લઈ અન્ય એક સવાલ એ છે કે, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને જાન્યુઆરીના અંતમાં 80 ટકા હાજરી થઈ જતી હોવાથી રિડિંગ ટાઈમ પડી જાય છે. પરંતુ આ વખતે હાજરીનો તો સવાલ જ નથી તો પછી આ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા પાછળનું કારણ સમજાતું નથી.

    રાજ્ય સરકારે વાલીઓ પાસેથી બાયંધરી પત્ર લેવાના નિર્ણયને પણ ગુજરાત વાલી એકતા મંડળે વખોડ્યો છે. ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે, સ્કૂલો ખોલવાના નિર્ણયને લઈ જે વાલીઓ પાસેથી બાયંધરી પત્ર લેવુ અયોગ્ય. તેને અમે સખત રીતે વખોડીએ છીએ. સરકાર વિદ્યાર્થીઓને લઈ ફરી પોતાની જવાબદારીમાંથી છટકવાના પ્રયત્ન કરી રહી છે. બાળકોની જવાબદારી સરકાર, સંચાલક, અને વાલીઓની સંયુક્ત રહેવી જોઈએ. થર્મલગનથી માત્ર તાપમાન માપી શકાય છે કોરોના નહીં, થર્મલ ગનના ભરોસે વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય જોખમમાં મુકવામાં ના આવે. સ્કૂલો શરુ થતા પહેલા સ્કૂલોએ આવનાર તમામ બાળકોનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવે. માસ્ક, સેનિટાઈઝર, અને સ્વરચ્છતા તેમજ વર્ગ દીઠ સંખ્યા નિયંત્રણના નિયમો બનાવવામા આવે. તેમજ તેનુ યોગ્ય મોનિટરિંગ ગોઠવી ચૂસ્ત પાલન કરવું જરૂરી છે. સ્કૂલ દીઠ યોગ્ય મેડીકલ ટીમોની નિયુક્તિ કરી સંમયાતરે બાળકોના સ્વાસ્થ્યના પરીક્ષણની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.



Download Our B K News Today App



Related News