ગૌવંશ નિભાવ માટે સરકાર પાસે સહાયની માંગ પાંચ દિવસમાં સરકાર સહાય નહીં આપે તો આંદોલન છેડાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:43:38
  • Views : 371
  • Modified Date : 2020-07-04 11:43:38

 એક તરફ સરકાર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જહેમત ઉઠાવી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌવંશના નિભાવ માટે સરકાર પાસે સહાયની માંગ કરી છે. આગામી પાંચ દિવસમાં સરકાર દ્વારા સહાય નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કોરોના વાયરસ વચ્ચે સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. એક તરફ કોરોનાના કારણે સરકાર દ્વારા
આપવામાં આવેલા લોકડાઉનને પગલે સરકારની આર્થિક પરિસ્થિતી નબળી બની છે. તો બીજી તરફ હવે વિવિધ સંસ્થાઓ સહાય માટે સરકાર પાસે માંગણી પ્રબળ બનાવી રહી છે. ત્યારે શુક્રવારે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ એકત્રિત થઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકના આયોજન પાછળનો હેતુ જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે. આ રાહત પેકેજ અંગે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા બેથી ત્રણ વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાયની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મળેલી બેઠકમાં આગામી પાંચ દિવસમાં સરકાર દ્વારા પશુ સહાય ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની આ બેઠકમાં  જિલ્લાના સંતો પણ જોડાયા હતા અને જિલ્લાના સંતોએ પણ ગૌવંશને બચાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

Download Our B K News Today App



Related News