ડીસા-પાટણ રોડ પર ટ્રેક્ટરને ટ્રકચાલકે ટક્કર મારતા અકસ્માત; એકનું મોત, સાત ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-05 13:52:39
  • Views : 618
  • Modified Date : 2022-11-05 13:52:39

 

ડીસા-પાટણ રોડ પર આજે વહેલી સવારે ટ્રેક્ટરને પાછળથી ટ્રકચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં રણુજા દર્શન માટે જઈ રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે સાત જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

 

ખેડાથી રાજસ્થાનના રણુજા દર્શન માટે જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. દર્શન માટે નીકળેલા લોકો ટ્રેક્ટરની ટોલીમાં બેસીને ડીસાના ખરડોસણ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી ટ્રકચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર સાથે ટ્રોલી પણ ઊંધી વળતા તેમાં બેઠેલા લોકો ટ્રોલી અને માલસામાન નીચે દબાઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કુબેરભાઈ નામના વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

 

જ્યારે અન્ય સાત જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ આવી જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

Download Our B K News Today App



Related News