અમદાવાદમાં AMTSની મુસાફરી મોંઘી બની છતાંય પેસેન્જર-આવકમાં ‘બમ્પર’ ઉછાળો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 15:40:07
  • Views : 107
  • Modified Date : 2023-07-13 15:40:07

અમદાવાદીઓ માટે જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં AMTS અને BRTS બાદ મેટ્રો રેલવેનો ત્રીજો વિકલ્પ ઊભો થયો છે, જોકે દાયકાઓ જૂની AMTS એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. આનું મુખ્ય કારણ એ છે કે શહેરના ખૂણેખાંચરે AMTS બસનો વ્યાપ છે. લોકોને પોતાના ઘરેથી બહુ થોડા અંતરમાં AMTS બસ ઉપલબ્ધ થઈ રહી છે. સતત વધતી જતી મોંઘવારીમાં આજે પણ હજારો પરિવાર એવા છે, જેમને અંગત વાહન વસાવવું પોસાતું નથી. આવા લોકો માટે AMTS બસ સર્વિસ એકમાત્ર રોજગારી મેળવવા ઓફિસ કે દુકાન જવાનું સાધન હોઈ તેમાં થયેલા ભાડાવધારાને અમદાવાદીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હોય તેવું ચિત્ર ઊપસ્યું છે. તંત્રના એક સત્તાવાર રિપોર્ટ મુજબ ભાડાવધારો થયા બાદ પણ પેસેન્જરની સંખ્યા અને આવકમાં બમ્પર ઉછાળો થયો છે. ગત તા. 1 જુલાઈથી પેસેન્જર્સને AMTSમાં વધુ ભાડું ચૂકવવું પડે છે. અગાઉના રૂ. 3નાં લઘુતમ ભાડાને બદલે હવે લઘુતમ ભાડું રૂ.5  થયું છે. જોકે એના સ્ટેજમાં ઘટાડો કરાયો છે તેમજ રૂ. પાંચના ગુણાંકમાં ટિકિટના દર નક્કી કરાયા હોઈ પેસેન્જર સાથે છુટ્ટા પૈસાનો કકળાટ હાલ જોવા મળતો નથી. AMTSમાં મહત્તમ ભાડું હવે રૂ.30 થયું છે.છેલ્લાં 10 વર્ષથી AMTSમાં કોઈ ભાડાવધારો કરાયો ન હોઈ તંત્રએ તેમાં વધારો કર્યો હોઈ પ્રારંભમાં આના કારણે પેસેન્જર્સનો ધસારો ઓછો થશે તેવા તર્ક-વિતર્ક ઊઠ્યા હતા. તા.1 જુલાઈએ શનિવાર હતો અને તે દિવસે ભારે વરસાદની આગાહી હતી, જેના કારણે પેસેન્જર્સની સંખ્યા ઘટી હતી. તે દિવસે કુલ 3,40,074  પેસેન્જર્સ નોંધાયા હતા, જ્યારે તેના છેલ્લા અઠવાડિયે એટલે કે તા.24 જૂને કુલ 3.55  લાખ પેસેન્જર્સ થયા હતા. એટલે કે ભાડાવધારાથી 15 હજાર પેસેન્જર્સ ઘટ્યા હતા.બીજા દિવસે એટલે કે તા.2 જુલાઈએ પેસેન્જર્સની સંખ્યામાં વધારે ઘટાડો થયો હતો, કારણ કે રવિવારની રજા હોઈ સ્વાભાવિકપણે પેસેન્જર ઘટ્યા હતા. રવિવારે 3,20,653 પેસેન્જર્સ નોંધાયા હતા. શનિવારે તંત્રની આવક રૂ.29,34,742 અને રવિવારે સાવ ઓછી થઈને રૂ.18,87,135 થઈ હતી.આ અંગે વધુ માહિતી આપતાં AMTSના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, સોમવાર તા. 3જુલાઈના ઊઘડતા અઠવાડિયાના પહેલા દિવસથી જ પેસેન્જર્સ AMTS તરફ જબ્બર વળ્યા હતા. તે દિવસે 4,46,041  જેટલા રેકોર્ડ ગણાય તેટલા પેસેન્જર્સ નોંધાયા હતા. 4.46 લાખથી વધુ પેસેન્જર્સથી સોમવારે તંત્રને રૂ. 40,61,621ની અભૂતપૂર્વ એવી આવક થઈ હતી. તા. 4જુલાઈએ 4.19 લાખથી વધુ પેસેન્જર્સથી રૂ.37.35 લાખથી વધુ આવક, તા.5 જુલાઈએ 4.05 લાખથી વધુ પેસેન્જર્સથી રૂ.33.77 લાખથી વધુ આવક, તા. 6 જુલાઈએ 4.0 1લાખથી વધુ પેસેન્જર્સથી રૂ. 32.14 લાખથી વધુ આવક તંત્રને થઈ હતી. આ સાથે તા. 7-8  અને 9 જુલાઈએ પણ AMTSમાં પેસેન્જર્સનો ધસારો જળવાઈ રહ્યો હતો અને તે મુજબ સત્તાવાળાઓને સારી એવી આવક થઈ હતી. છેલ્લા બે દિવસની એટલે કે તા.10 જુલાઈ અને 11 જુલાઈના પેસેન્જર્સ અને આવક તપાસતાં તા. 10 જુલાઈએ 4,31,765 પેસેન્જર્સથી તંત્રને રૂ.32,77,858ની આવક અને તા.11 જુલાઈએ સૌથી વધુ 4,47,368 પેસેન્જર્સથી તંત્રને રૂ.32,20,519ની આવક થવા પામી હતી. આમ ભાડાવધારા બાદના ચાલુ મહિનાના છેલ્લા 11 દિવસની વિગત તપાસતાં પેસેન્જર્સ અને આવક એમ બંને દૃષ્ટિએ ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે.

Download Our B K News Today App



Related News