AMC પ્રથમ તબક્કામાં 40 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાની વેક્સિન આપશે, 20 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 12:07:45
  • Views : 406
  • Modified Date : 2020-12-12 12:07:45

    રાજ્યમાં હાલમાં કોરોના વેક્સિનની ટ્રાયલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. એ ઉપરાંત રાજ્યમાં વેક્સિન માટેનો સરવે પણ ચાલી રહ્યો છે. ત્યારે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય એવી શક્યતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણને લગતી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાલમાં મ્યુનિ. તંત્રના 20 હજાર કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો છે, જ્યારે ખાનગી હોસ્પિટલના 10 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા પણ મેળવી લેવાયો છે. હજુ દશેક હજાર વધુ ડેટા મેળવાશે, એટલે ફર્સ્ટ ફેઝમાં કુલ 40 હજાર આ ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાશે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીને આ અંગે પૂછતાં તેઓ કહે છે, તંત્રના ‌રસી આપવાના વિવિધ ફેઝ હેઠળ ફર્સ્ટ ફેઝમાં કોરોનાના દર્દીની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલાં મ્યુનિસિપલ હોસ્પિટલ, મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર-કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડતમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ હોઇ તેમને રસી અપાશે.

    તંત્ર દ્વારા રસી આપવાના કેન્દ્ર તરીકે હાલના શરૂઆતના તબક્કે 100 શાળાની પસંદગી કરાઇ હોવાનું જણાવતાં ડૉ. સોલંકી વધુમાં કહે છે કે કોરોનાની રસીના સ્ટોરેજ માટે તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિતનાં સ્થળોએ ILR મશીનની વ્યવસ્થા છે, જેને કારણે તંત્ર દ્વારા દરરોજ 50 હજાર વ્યક્તિને કોરોનાની રસી આપી શકાય તેમ છે. અત્યારે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોનો સરવે કરાઇ રહ્યો છે, જેમાં 700 શિક્ષક જોડાયા છે. આ સરવે હજુ ચાર-પાંચ દિવસ ચાલે એવી શક્યતા છે.અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે છેલ્લા 15 દિવસમાં 300થી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં અત્યારસુધીમાં કોઈને પણ આડઅસર થઈ નથી. વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા માટે વોલન્ટિયર હવે રસ દાખવી રહ્યા છે. હોસ્પિટલમાં મેડિસિન વિભાગને આ માટે રોજના 50થી વધુ ફોન કોલ્સ મળે છે. સોલા સિવિલમાં અત્યારસુધીમાં 60થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે, જેમને કોઈ આડઅસર થઈ હોવાની કોઈ ફરિયાદ હજી સુધી નથી મળી. સામાન્ય રીતે ટ્રાયલ રસી લેવા માટે આવનારા લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. તેમને ટ્રાયલ સહિત રસીની આડઅસર વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. હાલમાં રોજ 40થી 45 લોકો રસીની ટ્રાયલ લેવા માટે આવે છે. રસીની ટ્રાયલ માટેનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News