ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ પરિવાર વતી અંબાજી મંદિર પર ધ્વજારોહણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 11:14:05
  • Views : 434
  • Modified Date : 2019-09-15 11:14:05

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ગૃહ રાજ્ય મંત્રી 
પ્રદિપસિંહ જાડેજાએ મેળાના સમાપન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર વતી  અંબાજી મંદિર પર ધ્વજારોહણ કર્યુ હતુ.  ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ભાદરવી મહામેળાના સમાપન પ્રસંગે જિલ્લા પોલીસ પરિવાર વતી અંબાજી મંદિર
પર ધજા ચડાવવામાં આવે છે.
અંબાજી મુકામે બસ સ્ટેશન પાસે સર્કલ પર પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ
પરિવાર અને હજારો માઇભક્તોની ઉપસ્થિતિમાં બોલ મારી અંબે........ જય જય અંબે........ના પ્રચંડ જયઘોષ સાથે માતાજીની આરતી કરી હતી. તેમજ ધજાને માથે ચડાવી, ધ્વજદંડ હાથમાં  ઊંચકી મંત્રી જાડેજાએ પોલીસ
પરિવાર અને હજારો માઇભક્તો સાથે બેન્ડની  સુરાવલી.. અબીલ, ગુલાલ કંકુની છોળો અને જય અંબેના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં ધ્વજદંડ સાથે ચાલતા અંબાજી મંદિર સુધી ગયા હતા.
ગૃહ રાજ્ય મંત્રીએ ભક્તિભાવપૂર્વક મંદિર પર ધ્વજારોહણ કર્યુ ત્યારે સમગ્ર ચાચર ચોક જય અંબે..... જય અંબે.....ના  જયઘોષથી ગૂંજી ઉઠ્‌યો હતો.
મીડિયા સાથેની મુલાકાતમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દૂર દૂરથી લાખો યાત્રિકો અંબાજી આવી દર્શન કરી ધન્ય બને છે. સૌની મનોકામના પૂર્ણ થાય અને સૌને માતાજીના આશીર્વાદ સદાય મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. મહામેળા પ્રસંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરવામાં આવે છે. માતાજીની કૃપાના લીધે એકાદ નાનો સરખો પણ  અનિચ્છનીય બનાવ બન્યો નથી.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૧૪ માં  નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની તરત મંજૂરી આપી, રાજ્ય સરકારના સંગીન પ્રયાસોથી દરવાજા મૂકાયા અને સારો વરસાદ થતાં નર્મદા ડેમ ૧૩૮ મીટરની
સપાટીએ છલોછલ ભરાયો છે. તેમણે કહ્યુ કે, સારા વરસાદથી રાજ્યના તળાવો અને ડેમો પણ છલોછલ ભરાયા છે જેનાથી રાજ્યની વિકાસકૂચ વધુ  વેગવંતી બનશે.
સાંસદ પરબતભાઇ પટેલે કહ્યુ કે, ભાદરવી  મહામેળામાં લાખો લોકો અંબાજી આવી માતાજીના દર્શન કરી ધન્ય બને છે.  તત્કાલીન  મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીના માર્ગદર્શનથી અંબાજી મુકામે ૫૧ શક્તિપીઠના મંદિરોનું ભવ્ય નિર્માણ થયું છે. જેથી માઇભક્તો અંબાજીની યાત્રા સુખરૂપ કરી શકે છે. સારો વરસાદ થતાં નર્મદા બંધની
સપાટી ૧૩૮ મીટર સુધી છલોછલ ભરાઇ છે અને પ્રજાનું  સપનુ સાકાર થયું છે. સમગ્ર દેશની પ્રજાની સુખ-સમૃદ્ધિ વધે અને ભારત વધુ શક્તિશાળી રાષ્ટ્ર બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.
ધ્વજારોહણ પ્રસંગે મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું અંબાજી મંદિરમાં પ્રવેશ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદિપ સાંગલે, જિલ્લા  વિકાસ અધિકારી  અજય દહીયા અને વહીવટદાર  એસ.જે.ચાવડા વગેરેએ પ્રવેશદ્વાર શક્તિદ્વાર ખાતે સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્યો સર્વ શશીકાંતભાઇ પંડયા,  મહેશભાઇ પટેલ,  કાંતિભાઈ  ખરાડી, પૂર્વ કેન્દ્રીય મંત્રી  હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અગ્રણીઓ સર્વ  ગોવાભાઇ રબારી, અમૃતભાઇ દવે,  લાલજીભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા  લક્ષ્મીબેન કરેણ, ભૂજ રેન્જ આઇ.જી. ડી.બી. વાઘેલા, પોલીસ અધિક્ષક  અજીત રાજ્યાણ, વિશાળ સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News